અજય દેવગન અભિનિત ભોલા સાઉથની સુપરહિટ ફિલ્મ ‘કૈથી’ની અધિકૃત સીક્વલ છે. જો ભોલાની સ્ટોરીની વાત કરીએ તો તેની શરૂઆત એક્શન સિક્વન્સથી થાય છે. જેમાં એસીપી ડાયના (તબ્બુ) કોકેઇન ભરેલી ટ્રકનો પીછો કરી રહી છે. પછી તેણે એક હજાર કરોડનું કોકેન જપ્ત કર્યું અને તેને લાલગંજ પોલીસ સ્ટેશનના ગુપ્ત બંકરમાં છુપાવી દીધું. ડાયનાના બોસ (કિરણકુમાર) તેને સલાહ આપે છે કે જ્યાં સુધી કોર્ટ સામાનની કસ્ટડી ન લે ત્યાં સુધી આ માહિતી ગુપ્ત રહેવી જોઈએ. પરંતુ તેમને એ વાતની જાણ નથી કે તેમની ટીમમાં એક ખબરી (ગજરાજ રાવ) પણ છે, જે ડ્રગ્સ સ્મગલર ગેંગના અશ્વત્થામા (દીપક ડોબરિયાલ)ને તમામ માહિતી આપી રહ્યો છે.
અશ્વત્થામા અને તેનો ભાઈ આ સમગ્ર નેટવર્કના સૂત્રધાર છે. ડાયના અને તેની ટીમને એક ષડયંત્રનો શિકાર બનાવવામાં આવે છે. પોલીસકર્મીઓનો જીવ જોખમમાં છે, પરંતુ ડાયના બચી જાય છે. ડાયના સામે સૌથી મોટો પડકાર બેભાન પોલીસકર્મીઓને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાનો છે. એ જ સમયે તેને તેના પોલીસ સ્ટેશન પણ પહોંચવું પડશે, જેથી માફિયાઓ તે માલ વિશે જાણી ના લે. આ કામ માટે તે ભોલા (અજય દેવગણ)ની મદદ લે છે. ભોલા દસ વર્ષ પછી જેલમાંથી છૂટ્યો છે. જેલમાં ભોલાને ખબર પડી કે તેની એક પુત્રી છે, જે લખનઉમાં રહે છે. તે તેની પુત્રીને મળવા માટે આતુર છે. વાર્તા આગળ વધે છે કે કેવી રીતે ભોલા મુશ્કેલીમાં મુકાય છે.
દિગ્દર્શક તરીકે અજય દેવગણ પ્રથમ જ દૃશ્યમાં ભરપૂર એક્શન સિક્વન્સ સાથે છવાઈ જાય છે. વાર્તા એક રાતની છે. આ ફિલ્મમાં 5-7 મિનિટની ચેઝિંગ સિક્વન્સ પણ છે. મૂળ ફિલ્મ ‘કૈથી’માં એક્શન અને ઈમોશનનું સંતુલન હતું. એક્શનથી ભરપૂર ફિલ્મોમાં લડાઈ કે એક્શનનો તર્ક શોધવો મુશ્કેલ હોય છે કે, એક જ હીરો એકસાથે 30-40 લોકોને કેવી રીતે મારી શકે છે, પરંતુ ભોલામાં જે રીતે એક્શન કોરિયોગ્રાફ કરવામાં આવી છે, તે જોવાલાયક છે.
અભિનય અને કાસ્ટિંગ ફિલ્મનું મજબૂત પાસું છે. તબ્બુએ બહાદુર પોલીસ અધિકારીની ભૂમિકાને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. તે ભાવનાત્મક દ્રશ્યોમાં પણ જીતવામાં સફળ થાય છે. અજયની પત્ની તરીકેની મહેમાન કલાકારના ભૂમિકામાં અમલા પોલ સુંદર લાગી રહી છે. સંજય મિશ્રાએ હવાલદારની ભૂમિકાને સુંદર રીતે નિભાવી છે, જે પોતાના પોલીસ સ્ટેશનને માફિયાઓથી બચાવવાનો પ્રયાસ કરે છે. જ્યારે દીપક ડોબરિયાલને એક કાતિલ વિલન તરીકે યાદ કરવામાં આવશે.