રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા અને અન્ય ટ્રેનર્સ સામે આ વર્ષની શરૂઆતમાં દેખાવો કરનારા ભારતના ટોચના કુસ્તીબાજોએ દિલ્હીના જંતરમંતર પર ફરી દેખાવો ચાલુ કર્યાં છે. કેટલીક મહિલા કુસ્તીબાજોએ ફેડરેશનના વડા અને અન્ય ટ્રેનર્સ સામે જાતીય શોષણનો આરોપ મૂક્યો હતો. તેમણે દિલ્હીમાં પોલીસ ફરિયાદ પણ દાખલ કરી છે.
સાત મહિલા કુસ્તીબાજોએ મધ્ય દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ફેડરેશનના વડા બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. જોકે આ ફરિયાદને આધારે હજુ એફઆઇઆર દાખલ થઈ નથી.
કુસ્તીબાજ સાક્ષી મલિકે જણાવ્યું હતું કે, તેઓ નિરાશ છે કે આ મુદ્દે સરકારી પેનલનો અહેવાલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. “અમે ઈચ્છીએ છીએ કે રિપોર્ટ બહાર પાડવામાં આવે. આ એક સંવેદનશીલ મુદ્દો છે.
ફરિયાદકર્તાઓમાંની એક સગીર છોકરી છે. ફરિયાદીઓના નામ લીક ન થવા જોઈએ. રેસલર સાક્ષી મલિકે કહ્યું કે, અમે બે દિવસ પહેલા સીપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. હજુ સુધી કોઈ સુનાવણી થઈ નથી. પોલીસ સ્ટેશન પર 7 યુવતીઓએ FIR નોંધાવી હતી. એક છોકરી સગીર છે અને પોસ્કો હેઠળ આવે છે. અઢી મહિના વીતી ગયા છતાં કમિટી તરફથી કોઈ નિર્ણય આવ્યો નથી.