બોલીવૂડની જૂની ફિલ્મોમાં સંવોદોના શહેનશાહ તરીકે દિગ્ગજ અભિનેતા રાજકુમારનું ખૂબ જ જાણીતું હતું. તેઓ જેટલા અદભુત અભિનેતા હતા એટલું જ બેબાક તેમનું વ્યક્તિત્વ હતું. તેઓ હંમેશાં તેમના સંવાદોના કારણે ચર્ચામાં રહ્યા છે. જોકે કડક અવાજ અને અલગ લહેકા પાછળ તેઓ એક નરમ દિલ અભનેતા પણ હતા તેવું કહેવાય છે. બોલીવૂડની ઘણી અભિનેત્રીઓ સાથે તેમનું નામ જોડાયું છે. જોકે, તેઓ તેમના અંગત જીવનને જાહેર નહીં કરવાનું વધુ પસંદ કરતા હતા. ઘણા ઓછા લોકોને ખબર હશે કે તેઓ ત્યારે હેમામાલિનીને ખૂબ જ ચાહતા હતા.
રાજકુમારને હેમામાલિની માટે સિક્રેટ ક્રશ હતો. જ્યારે તેમને ‘લાલ પથ્થર’ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવ્યા ત્યારે તેમણે દિગ્દર્શક એફ. સી. મહેરાને તેમની જોડી વૈજયંતિમાલાની જગ્યાએ હેમા માલિની સાથે બનાવવા વિનંતી કરી હતી. જોકે, જ્યારે હેમા માલિનીને ‘લાલ પથ્થર’ ફિલ્મ ઓફર કરવામાં આવી ત્યારે તેમણે તેમાં કામ કરવા માટે ના કહી હતી, પરંતુ રાજકુમારે તેમને મનાવી લીધા હતા.
‘લાલ પથ્થર’ના નિર્મામ દરમિયાન રાજકુમારને હેમામાલિની સાથે પ્રેમ થઇ ગયો હતો. હેમામાલિની પણ તેમના આગવા અંદાજથી પ્રભાવિત હતા. ફિલ્મ રીલીઝ થઇ ગયા પછી રાજકુમારે હેમામાલિનીને લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો હતો. પરંતુ તેમણે તેમના આ પ્રસ્તાવને ફગાવ્યો હતો અને આ કારણે રાજકુમારનું દિલ તૂટી ગયું હતું. હેમામાલિની રાજકુમારને પસંદ કરતા હતા તેમાં કોઇ શંકા ન હતી પરંતુ તેઓ તેમની સાથે લગ્ન કરવા ઇચ્છતા ન હતા.
હેમામાલિની ઉપરાંત મીનાકુમારી સાથે પણ રાજકુમારના સંબંધ પણ ચર્ચામાં હતા. ‘પાકિઝા’ના શૂટિંગ વખતે રાજકુમાર મીનાકુમારીને દિલ દઇ બેઠા હતા. તેઓ તેમના પ્રેમમાં એટલા ગળાડૂબ હતા કે શૂટિંગ વખતે રાજકુમાર તેમની સામે સંવાદો ભૂલી જતા હતા. જોકે, રાજકુમારનું કમનસીબ કે આ ફિલ્મ વખતે જ મીનાકુમારીએ દિગ્દર્શક કમાલ અમરોહી સાથે લગ્ન કરી લીધા હતા.