ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને ભારતીય નૌકાદળે શનિવારે બંગાળની ખાડીમાં ઓડિશાના દરિયાકિનારેથી સમુદ્ર આધારિત એન્ડો-એટમોસ્ફેરિક ઈન્ટરસેપ્ટર મિસાઈલનું સફળતાપૂર્વક પ્રથમ પરીક્ષણ કર્યું હતું. આની સાથે ભારત નેવલ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ (BMD) ક્ષમતા ધરાવતા દેશોના એલિટ ક્લબમાં સ્થાન મેળવ્યું છે.
સંરક્ષણ મંત્રાલયના નિવેદન અનુસાર, આ પરીક્ષણનો હેતુ દુશ્મન દેશોની બેલિસ્ટિક મિસાઇલના ખતરાને દૂર કરવાનો છે. આ પહેલા DRDO જમીન આધારિત બીએમડી સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સિદ્ધિ હાંસલ કરવા માટે DRDO અને ભારતીય નૌકાદળને અભિનંદન પાઠવ્યા હતા. DRDOના વડા સમીર વી કામતે પણ મિસાઇલની ડિઝાઇન અને વિકાસમાં સામેલ ટીમોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રએ અત્યંત જટિલ નેટવર્ક-કેન્દ્રિત એન્ટિ-બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ વિકસાવવામાં આત્મનિર્ભરતા હાંસલ કરી છે.