હિંમતનગર પાસે પ્રાંતિજના ભાગપુર ખાતે આશ્રમ શાળામાં રહેતા સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દીપસિંહ રાઠોડના ઘરે તાજેતરમાં ચોરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી કુલ રૂ. ૮.૭૦ લાખની મત્તાની ચોરી કરી હતી. આથી સાંસદના પુત્રે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ કરી હતી.
સાંસદ દીપસિંહના પુત્ર રણજીતસિંહે ફરિયાદમાં જણાવ્યું હતુ કે, ઘરમાં ત્રણે તિજોરીમાં રાખેલ ચાંદીના સિક્કા, દસ બિસ્કિટ, ચાર ગ્લાસ, બે થાળી, ચાર વાટકી તથા બે ચમચી તેમ મળી આશરે ૬ કિલો ચાંદી જેની કિં. રૂ. ૪,૨૦,૦૦૦ તથા ૧.૫ તોલાની એક સોનાનો દોરો, ૨.૫ તોલાની ચાર વીંટી, એક-એક તોલાના બે સિક્કા તથા એક તોલાનું પેંડલ મળી આશરે ૭ તોલાની સોનાની વસ્તુઓ જેની કિં. રૂ. ૩,૫૦,૦૦૦ અને રોકડ રકમ મળી કુલ રૂ. ૮,૭૦,૦૦૦ની ચોરી કરી નાસી ગયા હતા. અત્યારે સાંસદ રાઠોડ અમેરિકાના પ્રવાસે છે ત્યારે ચોરીની ઘટનાની જાણ થતા પ્રાંતિજ પોલીસની ટીમે એફ.એસ.એલ તથા ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી છે.