Violence against Indians was condemned by Indian Diaspora Against Hate in America

છેલ્લાં કેટલાક સમયથી વિવિધ દેશોની ભારતીય સંસ્થાઓ, ડિપ્લોમેટિક મિશન્સમાં તોડફોડના પ્રયાસો થયા છે ત્યારે 44 જેટલા ઇન્ડિયન અમેરિકન સંગઠનોએ આવી હિંસક ઘટનાઓને વખોડી કાઢી છે. તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં સાન ફ્રાન્સિસ્કો, લંડન અને બ્રિસ્બેન ખાતે ઇન્ડિયન એમ્બેસી પર હુમલાના પ્રયાસથી ભારતીય સમુદાયે ડરની લાગણી અનુભવી છે. ‘ઇન્ડિયન ડાયસ્પોરા અગેઇન્સ્ટ હેઇટ’ના મંચ હેઠળ ઘણા અગ્રણી ઇન્ડિયન અમેરિકન્સ તેમ જ વિવિધ ક્ષેત્રના સંગઠનોએ હસ્તાક્ષર સાથેનો પત્ર જાહેર કર્યો છે. જેમાં હિંસક હુમલાને વખોડવામાં આવ્યા હતા. તેમણે દેશ અને સ્થાનિક સત્તાધિશોને ઇન્ડિયન અમેરિકન સમુદાયની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાનો આગ્રહ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગત મહિને ખાલિસ્તાન સમર્થક લોકોના ગ્રુપે સાન ફ્રાન્સિસ્કો ખાતે ઇન્ડિયન કોન્સ્યુલેટ પર હુમલો કર્યો હતો અને નુકસાન પહોંચાડ્યું હતું. તેની સમુદાયે કડક શબ્દોમાં ટીકા કરી હતી અને દોષિતો સામે તાત્કાલિક પગલા લેવાની માગણી કરી હતી.

અમેરિકાના જુદાજુદા શહેરોમાંથી આવેલા ઇન્ડિયન અમેરિકન્સ, સંગઠનો અને સમુદાયના સભ્યોએ નાગરિકોને ઉશ્કેરાટ ફેલાવતા જૂથોથી સાવચેત રહેવા અને સત્તાવાળાને તેમની માહિતી આપવા જણાવ્યું હતું. ‘ઇન્ડિયન ડાયસ્પોરા અગેઇન્સ્ટ હેઇટ’ ફોરમ ઇન્ડિયન અમેરિકન સંગઠનો, સંસ્થાઓ અને હિન્દુ મંદિરોને સહયોગ આપે છે. તે ભારતીય સમુદાયની સુરક્ષા અને સુખાકારી તેમજ નાગરિક સંસ્થાઓ અને કાયદાકીય એજન્સીઓ સમક્ષ તેમનો અવાજ ઉઠાવવામાં મદદ કરે છે.

જાણીતા કાર્ડિયોલોજિસ્ટ અને સમુદાયના અગ્રણી ડો. રોમેશ જાપરાએ જણાવ્યું હતું કે, “હિન્દુ સમાજના ઘણા આગેવાનોને ધમકી મળી છે. તેમના રહેઠાણો પર તાજેતરમાં હુમલા પણ થયા હતા.” સાઉથ કેલિફોર્નિયાના સામાજિક કાર્યકર મધુ એચ એ જણાવ્યું હતું કે, “ખાલિસ્તાની કટ્ટરપંથીઓ હિંસાનો લાંબો અને ખરાબ ટ્રેક રેકોર્ડ ધરાવે છે. તેમણે 1985માં એર ઇન્ડિયાનું વિમાન પણ તોડ્યું હતું, જેમાં 300થી વધુ લોકોના મૃત્યુ થયા હતા.” કેલિફોર્નિયા સ્ટેટ કેપિટલ સેક્રેમેન્ટોના હિન્દુ અગ્રણી વેણુ એમ એ આ નિમિત્તે ડેવિસ શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાની ઘટનાને યાદ કરી હતી.

LEAVE A REPLY