“બધા શ્વેત પુરુષો શ્યામ લોકોને ગુલામ તરીકે રાખવા માટે સક્ષમ હોવા જોઈએ અને અશ્વેત લોકો શ્વેત લોકો કરતાં “નીચલા વર્ગ”ના હતા એવુ વેલ્સની પેમ્બ્રોકશાયર કાઉન્ટીના કાઉન્સિલર એન્ડ્રુ એડવર્ડ્સનું કથીત ઓડિયો રેકોર્ડિંગ ઓનલાઇન થઇ જતા કન્ઝર્વેટિવ પાર્ટીના વડાઓએ તપાસ આદરી છે. જો કે એડવર્ડ્સને હજુ સુધી સસ્પેન્ડ કરાયા નથી.
તે રેકોર્ડિંગમાં વક્તા કહે છે “ત્વચાના રંગમાં કંઈપણ ખોટું નથી. મને લાગે છે કે બધા શ્વેત પુરુષો પાસે શ્યમ માણસ અથવા સ્ત્રી ગુલામ તરીકે હોવા જોઈએ. ત્વચાના રંગમાં કંઈ ખોટું નથી, તે માત્ર એટલું જ છે કે તેઓ અમારા કરતા નીચા વર્ગના લોકો છે.”
16-સેકન્ડની આ ક્લિપ ક્યારે અથવા ક્યાં રેકોર્ડ કરવામાં આવી હતી તે સ્પષ્ટ નથી. પણ ન્યૂઝ વેબસાઈટ national.cymruએ જણાવ્યું હતું કે આ રેકોર્ડિંગ કાઉન્ટી કાઉન્સિલના મોનિટરિંગ ઓફિસર રિયાન યંગને મોકલવામાં આવ્યું હતું.
એડવર્ડ્સ ગયા વર્ષે મે મહિનામાં હેવરફોર્ડવેસ્ટ પ્રેન્ડરગાસ્ટ વોર્ડનું પ્રતિનિધિત્વ કરવા માટે ચૂંટાયા હતા. તેઓ બાર્બર છે અને સ્વૉનસીમાં પબ અને રેસ્ટોરન્ટનું લાઇસન્સ ધરાવે છે. તેઓ ફ્રીમેસન્સના સભ્ય અને શાળાના ગવર્નર છે.
એડવર્ડ્સે આરોપોને નકારીને સ્વતંત્ર તપાસની પબ્લિક સર્વિસ ઓમ્બડ્સમેન પાસે માંગણી કરી છે.
કાઉન્ટી કાઉન્સિલના કન્ઝર્વેટિવ જૂથના નેતા ડી ક્લેમેન્ટ્સે જણાવ્યું હતું કે એડવર્ડ્સે મંગળવારે કાઉન્સિલમાં પાર્ટી જૂથ છોડી દીધું હતું.