કાર રીપેરીંગ કરતી વખતે મોંઢા દ્વારા ચૂસીને પેટ્રોલ બહાર કાઢ્યા બાદ ગેરેજના માલિકે કરેલી વ્યંગાત્મક ટિપ્પણીઓએ પોતાને રાજીનામું આપવા માટે પ્રેર્યો હતો તેવો દાવો કરનાર મિકેનીક શીલ માવડિયા વેસ્ટ લંડન મોટર ગ્રૂપ સામેનો પોતાનો કન્સ્ટ્રક્ટીવ ડીસમીસલનો કેસ હારી ગયા છે.
શીલ માવડિયાએ દાવો કર્યો હતો કે રાઈસ્લિપ ખાતેની WLMG ડીલરશીપ પાસે સાઇફન પંપ ન હોવાને કારણે તેઓ જે કારનું રિપેરીંગ કરતા હતા તેમાંથી પેટ્રોલ કાઢવા માટે તેમને મોંનો ઉપયોગ કરવાનું કહેવાયું હતું. તેમણે કહ્યું કે તેને ઑક્ટોબર 2021માં ઑર્ડરનો ભોગ બનવું પડ્યું હતું, કારણ કે તે જરૂરી કારની તપાસ કરવા માટે ‘ઘણા દબાણ હેઠળ’ હતો અને દરેક કારની તપાસ માટે તે £15નું બોનસ મેળવી શકતો હતો.
પરંતુ વોટફોર્ડ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ સમક્ષ સેલ્સ ડિરેક્ટર ડીનો પટેલે કહ્યું હતું કે કંપની પાસે તે માટેના સાચા સાધનો છે અને તે ક્યાં છે તે પણ જણાવ્યું હતું.
પેટમાં થોડું પેટ્રોલ ગયા બાદ માવડિયાને બીમાર થયા હોય તેમ લાગ્યા બાદ તેઓ A&E માં ગયા હતા અને ત્રણ અઠવાડિયા માટે કામે આવ્યા ન હતા. માવડિયાએ દાવો કર્યો હતો કે તેઓ પછીથી કામ પર પાછા ફર્યા ત્યારે કંપનીના ડિરેક્ટર મેહમેટ ઓબાલીએ “પેટ્રોલ ન પીવા માટે સાવચેત રહેવા” કટાક્ષભરી ટિપ્પણી કરતા તેમણે “બળજબરીથી” રાજીનામું આપ્યું હતું.
એમ્પલોયમેન્ટ ટ્રીબ્યુનલ જજ પેટ્રિક ક્વિલે ચુકાદો આપ્યો હતો કે પેટ્રોલ પીવાનો અને ફ્યુઅલ પંપની શોધ છોડી દેવાનો ઇરાદો તેમનો પોતાનો હતો.