બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટી આગામી મહિને સમગ્ર ઈંગ્લેન્ડમાં થનારી કાઉન્સિલની ચૂંટણીઓ માટે વડા પ્રધાન ઋષિ સુનકના ટ્રેક રેકોર્ડને નિશાન બનાવતી જાહેરાતો સોશિયલ મીડિયામાં રજૂ કરી રહી છે. જેમાં મંગળવારે જાહેર કરાયેલ એક એડવર્ટમાં તેમની પત્ની અક્ષતા મૂર્તિની ભૂતકાળના ટેક્સ સ્ટેટસ વિષે ઈશારો કરાયો હતો. આવતા વર્ષે આવનારી સામાન્ય ચૂંટણીમાં લાભ મળે તે માટે લેબરે સુનક અને સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીને કોસ્ટ-ઓફ-લીવિંગ કટોકટીના કઠિન પરિણામો માટે જવાબદાર હોવાનો આરોપ મૂક્યો છે.
લેબર પાર્ટીએ વચન આપ્યું છે કે, “લેબર સરકાર આ વર્ષે કાઉન્સિલ ટેક્સ ફ્રીઝ કરશે. અમે ટોરીઝની નોન-ડોમ ટેક્સ છટકબારીને રદ કરીશું.” ગયા અઠવાડિયે શરૂ થયેલી વિવાદાસ્પદ જાહેરાત ઝુંબેશમાં પહેલી લાઇન હતી કે “શું તમને લાગે છે કે બાળકો પર જાતીય હુમલો કરવા બદલ દોષિત પુખ્ત વયના લોકોએ જેલમાં જવું જોઈએ? ઋષિ સુનક ના એવું નથી.” આ જાહેરાતે યુકેના જસ્ટીસ મિનીસ્ટ્રીના ડેટાને ટાંક્યો છે જે દર્શાવે છે કે 2010 માં કન્ઝર્વેટિવ સત્તામાં આવી ત્યારથી બાળકો પરના જાતિય કૃત્યો માટે દોષિત 4,500 પુખ્ત વયના લોકોએ જેલની સજા ટાળી હતી. લેબરની બીજી ટ્વીટમાં સુનક પર બંદૂક પર નરમ હોવાનો આરોપ મૂક્યો હતો તો ત્રીજી જાહેરાતમાં સૂચન કરાયું હતું કે ‘તેમને લાગતું નથી કે ચોરને સજા થવી જોઈએ.’
ઈંગ્લેન્ડમાં 4 મેના રોજ દેશમાં કાઉન્સિલની ચૂંટણી ટાણે આ અઠવાડિયે રેડફિલ્ડ અને વિલ્ટન સ્ટ્રેટેજી દ્વારા કરાયેલા મતદાનના જણાવાયું હતું કે ‘’લેબર 44 ટકા અને કન્ઝર્વેટિવ્સ 30 ટકા મતદારોનો ટેકો ધરાવે છે.