ગાંધીનગર જિલ્લાના મોડાસા-રાજેન્દ્રનગર રોડ પર લાલપુર કંપામાં આવેલી મહેશ્વરી ક્રેકર્સ નામની ફેક્ટરીમાં ગુરુવારે બપોરે અચાનક આગ ભભૂકી ઉઠતા ચાર વ્યક્તિઓ જીવતા ભૂંજાયા હતા. આ આગ એટલી ભયંકર હતી કે, ગોડાઉનની સાથે 4 ટ્રક, ત્રણ કાર તેમજ 25થી વધુ ટુ વ્હીલર પણ ખાખ થઈ ગયા હતા. આગે ભીષણ રૂપ ધારણ કરતાં મેજર કોલ જાહેર કરાયો હતો. આગ પર કાબૂ મેળવવા ગાંધીનગર, હિંમતનગર, મોડાસા, બાયડ અને ઇડરથી ફાયર ફાઇટરને બોલાવાયા હતા. આગમાં જે ચાર મજૂરનાં મોત થયા તેમાં લલિત, અજય, રામભાઈ, સાજનનો સમાવેશ થાય છે.
આગની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી. આગ એટલી વિકરાળ હતી કે પાંચ કિ.મી. સુધી આગના ગોટેગોટા દેખાતા હતા. ફેક્ટરીમાં લાગેલી આગે આસપાસના મકાનોને પણ ઝપેટમાં લીધા હતા.
ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું કે આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. ગોડાઉન ફટકડાનું છે એટલે અંદાજ લગાવી શકાય કે સ્પાર્ક કે ગરમીના કારણે ઘટના બની હોય. મોડાસા ટાઉન પોલીસે ગોડાઉન માલિક અને તેના ભાઈ સામે પોલીસે સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.
લાલપુર કંપામાં મહેશ્વરી ક્રેકર્સ ફેક્ટરીને માત્ર ફટાકડા વેચવાનું જ કામ હતું, પરંતુ અંદર ફટાકડા પણ બનાવાઈ રહ્યા હતા. આ ફેક્ટરીને ફાયર એનઓસી આપવામાં આવી નહોતી.આ ઉપરાંત ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નહોતી. અહીં બે એન્ટ્રી અને બે એક્ઝિટ ગેટ હોવા જરૂરી છે પરંતુ અહીં એન્ટ્રી અને એક્ઝિટનો માત્ર એક જ ગેટ હતો.