Fugitive businessman Mehul Choksi cannot be brought to India from Antigua
ભારતના ભાગેડૂ મેહુલ ચોક્સીનો ફાઇલ ફોટો (ANI Photo)

ભાગેડુ બિઝનેસમેન અને 13000 કરોડની છેતરપિંડીના આરોપી મેહુલ ચોકસીને ભારતને સોંપણીના મુદ્દે એન્ટિગાની કોર્ટમાં તેની જીત થઇ છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે રૂપિયા 13,000 કરોડના છેતરપિંડીના મામલે ભારતમાં મોસ્ટ વોન્ટેડ હીરાના વેપારી મેહુલને પરવાનગી વગર એન્ટિગા અને બરમુડામાંથી હટાવી શકાય નહીં. આવી સ્થિતિમાં જો કેન્દ્રીય એજન્સીઓ ચોકસીને ભારત લાવવા માંગે છે તો તેમણે કોર્ટની પરવાનગી લેવી પડશે.

મેહુલ ચોક્સીએ વિવિધ દાવાઓને પડકારીને તપાસની માગ કરી છે. મેહુલ ચોક્સીએ કોર્ટમાં દાવો કર્યો હતો કે 23 મે 2021ના દિવસે એન્ટીગુઆ અને બારબુડાથી તેને બળજબરી પૂર્વક કાઢવાના પ્રયાસો હાથ ધરાયા હતા. તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આ બધાની તપાસ થવી જોઇએ.

ભારતથી ફરાર થયા પછી મેહુલ ચોક્સીએ એન્ટિગામાં સિટિઝનશિપ બાય ઈન્વેસ્ટમેન્ટના આધારે નાગરિકતા લીધી છે. ઈન્ટરપોલે ચોક્સી વિરૂદ્ધ રેડ નોટિસ જાહેર કરી હતી. પ્રત્યાર્પણની માગ કરનારા દેશની અપીલ પર ઈન્ટરપોલ જનરલ સેક્રેટરી રેડ નોટિસ બહાર પાડે છે. રેડ નોટિસ અંતર્ગત દેશથી ફરાર થયેલા લોકોની ઓળખ કરી તેમની ધરપકડ કરવાની કવાયત કરાય છે. જોકે આને ઈન્ટરનેશનલ એરેસ્ટ વોરન્ટ ન ગણી શકાય.

માર્ચ 2023માં પંજાબ નેશનલ બેંકમાં 13,000 કરોડ રૂપિયાના કૌભાંડમાં વોન્ટેડ ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીનું નામ ઈન્ટરપોલની ‘રેડ નોટિસ’માંથી હટાવી દેવામાં આવ્યું હતું. ફ્રાન્સના લિયોનમાં ઇન્ટરપોલ હેડક્વાર્ટરમાં ચોક્સીએ દાખલ કરેલી અરજીના આધારે આ પગલું લેવામાં આવ્યું છે. ઇન્ટરપોલની રેડ નોટિસના કારણે ચોક્સીને 192 સભ્ય દેશોમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો. નોટિસ પાછી ખેંચી લીધા બાદ તે આખી દુનિયામાં પ્રવાસ કરી શકશે. વર્ષ 2018માં પંજાબ નેશનલ બેંકમાં 13,578 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ઘટસ્ફોટ થયો હતો.

આ કેસમાં અબજોપતિ તથા હીરાનો વેપારી નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી આરોપી હોવાનું સામે આવ્યું હતું. આ કૌભાંડમાં સીબીઆઈ કંઇ એક્શન લે એ પહેલા જ બંને આરોપીઓ દેશ છોડી ભાગી ગયા હતા. નીરવ મોદીની લંડનથી ધરપકડ કરવામાં આવી છે અને મેહુલ ચોક્સી એન્ટિગામાં છે. ભારત સરકાર બંનેને દેશમાં પરત લાવવા માટે સતત પ્રયત્નો કરી રહી છે.

LEAVE A REPLY