પેન્સિલવેનિયાની ડેલાવેર કાઉન્ટીના ડ્રેક્સેલ હિલ ગુરદ્વારાના ધર્મગુરૂ, 64 વર્ષના બલવિન્દર સિંઘ સામે તાજેતરમાં 13 વર્ષથી નાની વયની એક વ્યક્તિ ઉપર અભદ્ર હુમલો કરવા, એક સગીર સાથે ગેરકાયદે ગણાય તે પ્રકારના સંપર્ક વગેરે આરોપો મુકાયા હતા. એ સગીર બાળકીએ તે 12 વર્ષની થઈ ત્યારે, જાન્યુઆરી 2014માં તે ભણતી હતી તે સ્કૂલના સ્ટાફ મેમ્બર સાથે ધર્મગુરૂના વાંધાજનક વર્તનની વાત કરી હતી. ધર્મગુરૂએ તે બાળકી પાંચ વર્ષની હતી ત્યારથી આવી વિકૃત હરકતો શરૂ કરી હતી અને તે સિલસિલો ઓછામાં ઓછા સાત વર્ષ ચાલ્યો હોવાનું ડેલાવેરથી પ્રકાશિત થતા ડેઈલી ટાઈમ્સ અખબારના એક અહેવાલમાં જણાવાયું હતું.
અપર ડાર્બી સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન્સ ડીટેકટીવ કેવિન નેપ દ્વ્રારા તૈયાર કરાયેલી એક એફિડેવિટ અનુસાર ધર્મગુરૂની વિકૃતિનો ભોગ બનેલી તે બાળકી આજે પુખ્ત યુવતી છે અને તેણે ન્યાય મેળવવાના ઈરાદે આ વર્ષે 24મી જાન્યુઆરીના રોજ ધર્મગુરૂની હરકતો વિષે પોલીસ હેડક્વાર્ટર્સમાં જાણ કરી હતી.
યુવતીના જણાવ્યા મુજબ તેણે 2014માં પણ ડેલાવેર કાઉન્ટી ક્રિમિનલ ઈન્વેસ્ટીગેશન ડિવિઝનના એક ડીટેકટીવ સમક્ષ પોતાનું નિવેદન રેકોર્ડ કરાવ્યું હતું, પણ તે વખતે તેના પરિવારે ગુરદ્વારા અને ધર્મગુરૂ સાથે સમાધાનનો કરાર કરી લેતા તપાસ આગળ ધપી નહોતી. કરાર મુજબ સિંઘ એ પછી બાળકી સાથે કોઈ સંપર્ક કરવા પ્રયાસ નહીં કરે અને બાળકીનું પરિવાર સિંઘ વિરૂદ્ધ અપરાધ વિષે આગળ કાર્યવાહીનો આગ્રહ નહીં કરે.
ધર્મગુરૂના વકીલ ક્રિસ બોગ્સે આ મામલે કઈં કહેવાનો ઈનકાર કર્યો હોવાનું અખબારે જણાવ્યું હતું. સિંઘની એકાદ સપ્તાહથી વધુ સમય અગાઉ મેજિસ્ટેરીયલ ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ્રુ ગોલ્ડબર્ગ સમક્ષ ઉલટતપાસ કરાઈ હતી અને તેને 10 હજાર ડોલરના જામીન ઉપર છોડાયા હતા. હવે 20 એપ્રિલથી ગોલ્ડબર્ગ સમક્ષ પ્રાથમિક સુનાવણી થશે.