વડોદરાની એક હોસ્પિટલે 2021માં કોવિડના કારણે મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો તે વ્યક્તિ 14 એપ્રિલ-2023એ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલાં તેના ઘરે જીવતો પાછો ફરતો પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. કમલેશ પાટીદાર નામનો આ યુવક કડોદ કલાન નામના ગામે તેની માસીના ઘરે પહોંચ્યો ત્યારે તેના પરિવારના લોકો તેને જીવતો જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા હતા. 35 વર્ષિય કમલેશ પાટીદારની પત્ની અને પુત્રના કહેવા મુજબ 2021માં કોરોનાની બીજી લહેર આવી ત્યારે કમલેશને કોરોનાનું ભારે સંક્રમણ લાગી ગયું હતું અને તેને વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમ્યાન તેને મૃત જાહેર કરાયો હતો.
આ વ્યક્તિ ઘરે પરત ફરતા તેને બે વર્ષ ક્યાં વિતાવ્યા?, આ બે વર્ષ દરમિયાન તે શું કરતો હતો? અને આ બે વર્ષ દરમિયાન તેને તેના પરિવારજનોનો સંપર્ક કરવાનો કેમ પ્રયાસ નહોતો કર્યો? જેવા અનેક પ્રશ્નો પણ સર્જાયા હતા. પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે કમલેશને જોતાં એમ લાગે છે કે તેની યાદદાસ્ત સંપૂર્ણ રીતે જતી રહી છે અને તે બે વર્ષની તમામ બાબતો ભૂલી ગયો છે.