ટેકનોલોજી પાર્ટનર શોધવામાં મુશ્કેલી અને ગુજરાત સરકાર પાસેથી નાણાકીય પ્રોત્સાહનો મેળવવા સામેના પડકારોને કારણે ગુજરાતમાં 19 બિલિયન ડોલરનો સેમિકન્ડર પ્લાન્ટ નાંખવાની અનિલ અગ્રવાલની યોજના હાલમાં અટવાઈ પડી હોવાનું મીડિયા રીપોર્ટમાં જણાવાયું છે.
2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવાની તૈયારીઓ ચાલતી હતી ત્યારે અનિલ અગ્રવાલે ગુજરાતના ધોલેરા ખાતે એક સેમીકન્ડક્ટર (ચિપ્સ) પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. અગરવાલની કંપની વેદાંતા અને તાઈવાનની ફોક્સકોન ગુજરાતમાં 20 અબજ ડોલરનું રોકાણ થવાનું હતું. પરંતુ હવે આ પ્રોજેક્ટમાં અવરોધ પેદા થયા હોય તેમ લાગે છે.
બ્લૂમબર્ગના રીપોર્ટ મુજબ વેદાંતાએ ચિપ્સ નિર્માણ માટે પાર્ટનરશિપની જાહેરાત કરી તેના સાત મહિના પછી હજુ પણ ફેબ્રિકેશન યુનિટ ઓપરેટર સાથે જોડાણ થયું નથી તેમ જ મેન્યુફેક્ચરિંગ ગ્રેડ ટેક્નોલોજીનું લાઈસન્સ મળ્યું નથી.
બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે અબજો ડોલરનું રોકાણ કરવું પડે તેવા નવા સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા મુશ્કેલ છે. મેટલથી લઈને માઈનિંગ સુધીના સેક્ટરમાં કામ કરતી વેદાંતા અને આઇફોનને એસેમ્બલ કરતી ફોક્સકોનને ચિપ ઉત્પાદનનો ખાસ અનુભવ નથી. પરંતુ ભારત અત્યારે સેમીકન્ડક્ટર ઉત્પાદનમાં મોટી યોજનાઓ ધરાવે છે તેના કારણે આ કંપનીઓ તેનો ફાયદો લેવા માંગે છે.
વેદાંતાના સ્થાપક અનિલ અગરવાલનું સામ્રાજ્ય હાલ નાણાકીય સમસ્યાનો સામનો કરી રહ્યું છે. તેમના કોમોડિટી બિઝનેસ પર કરોડો ડોલરનું દેવું ચઢી ગયું છે. હવે તેઓ વેદાંતાનો લગભગ પાંચ ટકા હિસ્સો વેચીને દેવું ઘટાડવાના પ્રયત્ન કરી રહ્યા છે.