ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ED)એ વિદેશી હૂંડિયામણના કથિત ઉલ્લંઘન બદલ બીબીસી ઇન્ડિયા સામે ફેમાનો કેસ દાખલ કર્યો છે. સત્તાવાર સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગે ફેબ્રુઆરીમાં બીબીસીની ઓફિસનો સરવે કર્યા પછી લગભગ બે મહિને આ કાર્યવાહી કરવામાં આવી છે. બીબીસી ઇન્ડિયાના નાયબ એમડી એજન્સી સામે હાજર થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇડીએ કેટલાક દસ્તાવેજો માંગ્યા હતા. ઉપરાંત, તે ફોરેન એક્સ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)ની જોગવાઈઓ હેઠળ કંપનીના કેટલાક એક્ઝિક્યુટિવ્સના નિવેદન પણ રેકોર્ડ કરવા સક્રિય બની હતી..
ઇડીના પગલા અંગે કોંગ્રેસના પ્રવક્તા અંશુલ અવિજિતે જણાવ્યું હતું કે, “દેશમાં અભિવ્યક્તિ અને પ્રેસની સ્વતંત્રતા પર તરાપ મરાઈ રહી છે. આ નવું નથી. જોકે, હવે સરકારની ટીકા કરનારને જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે.” ઉલ્લેખનીય છે કે, બીબીસીની ઓફિસમાં થયેલા સરવે અંગે તીવ્ર રાજકીય પ્રત્યાઘાત આવ્યા હતા. ભાજપે વડાપ્રધાન મોદી અંગેની બીબીસીની ડોક્યુમેન્ટ્રીને દ્વેષયુક્ત રિપોર્ટિંગ ગણાવ્યું હતું. જ્યારે વિરોધ પક્ષોએ બીબીસી પરની કાર્યવાહીના સમય પર સવાલ ઉઠાવ્યો હતો.
માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર ઇડી કંપની દ્વારા કરાયેલા સીધા વિદેશી રોકાણના ઉલ્લંઘનની તપાસ કરી રહી છે. ચાલુ વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ આઇટી વિભાગે કથિત કરચોરીની તપાસના ભાગરૂપે બીબીસીની દિલ્હી અને મુંબઇ ખાતેની ઓફિસનો સરવે કર્યો હતો. સરવે ત્રણ દિવસ ચાલ્યો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ ત્યારે જણાવ્યું હતું કે, બીબીસીની ગ્રૂપ કંપનીઓ દ્વારા દર્શાવાયેલા આવક અને નફો ભારતમાં તેની કામગીરી અનુસાર નથી. ઉપરાંત, તેની કેટલીક વિદેશી એન્ટિટીએ અમુક રેમિટન્સ પર ટેક્સ પણ ચૂકવ્યો નથી. સરવે પછી બીબીસીએ જણાવ્યું હતું કે, તે સત્તાવાળાને સહકાર આપવાનું ચાલુ રાખશે.સીબીડીટીએ જણાવ્યું હતું કે, “વિભાગે કંપની (બીબીસી)ની કામગીરી અંગે ઘણા પુરાવા એકત્ર કર્યા છે. તે દર્શાવે છે કે કેટલાક રેમિટન્સ પર ટેક્સ ચૂકવાયો નથી.