Notorious gangsters Ateeq, Ashraf killed in public
ગુરુવારે પ્રયાગરાજમાં પોલીસ કર્મચારીઓ દ્વારા મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવતા માફિયા અતીક અહેમદના માથા પર બંદૂક જોવા મળે છે. અતીકનો ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફ પણ જોવા મળે છે.. (ANI Photo)

ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર અને રાજકારણી અતીક અહમદ અને તેના ભાઇ અશરફ અહમદની ગત શનિવારે, 15 એપ્રિલના રોજ પોલીસની હાજરીમાં સરાજાહેર ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ગેંગસ્ટર્સની સંખ્યાબંધ પોલીસ જવાનોની હાજરીમાં હત્યાથી દેશભરમાં ચકચાર મચી હતી કારણ કે છેલ્લાં ઘણા સમયથી એવી અટકળો થતી હતી કે ઉત્તરપ્રદેશની યોગી સરકારની પોલીસ આ ગેંગસ્ટર્સનું એન્કાઉન્ટ કરવા માગે છે. અગાઉ ઉત્તરપ્રદેશ વિધાનસભામાં ગુંડાને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ખુલ્લી ચેતવણી આપી હતી કે ગેંગસ્ટરોને તેઓ ધૂળ ચાટતા કરી દેશે.

આ બંને ગુંડાની હત્યા પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે કરાઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો હતો. પ્રયાગરાજમાં હોસ્પિટલ પાસે આ હુમલો ત્યારે થયો જ્યારે પોલીસની ટીમ અતીક અને અશરફને લઈ જઈ રહી હતી. આ દરમિયાન ત્રણ-ચાર હુમલાખોરો આવે છે અને અચાનક ફાયરિંગ શરૂ કરી દે છે. પોલીસે હુમલાખોરોને સ્થળ પરથી ઝડપી લીધા હતા. આ સમગ્ર હુમલો મીડિયા અને પોલીસની સામે જ કરવામાં આવ્યો હતો. આરોપીઓ પર ફાયરિંગ થયું તે કેમેરામાં પણ કેદ થઈ ગયા હતા.

અગાઉ ગુરૂવારે અતીક અહેમદના પુત્ર અસદ અહેમદને એન્કાઉન્ટરમાં ઠાર કરાયો હતો. યુપી એસટીએફ દ્વારા હાથ ધરાયેલા એક ઓપરેશનમાં અસદ ઉપરાંત ગુલામ નામનો એક શાર્પશૂટર પણ માર્યો ગયો હતો. આ બંને ઉમેશ પાલ હત્યાકાંડમાં સામેલ હતા.પોલીસના જણાવ્યા અનુસાર અસદ અને ગુલામ પાસેથી હથિયારો પણ મળી આવ્યા હતા. અસદ માત્ર ઉમેશ પાલ મર્ડર કેસમાં વોન્ટેડ હતો, જ્યારે ગુલામ સામે આઠ કેસ નોંધાયેલા હતા. ઉમેશ પાલ 2005માં માર્યા ગયેલા બીએસપીના ધારાસભ્ય રાજુ પાલના હત્યા કેસના સાક્ષી હતા.

અતીકના પુત્ર અસદની દફનવિધિ કરવામાં આવી હતી તેના ગણતરીના કલાકોમાં પિતા અતીક અહમદ અને અતીકના ભાઇ અશરફનું ત્રણ શૂટરોએ ઢીમ ઢાળી દીધુ હતું. હત્યારા ત્રણ યુવાનો સની સિંહ, અરૂણ મૌર્ય અને લવલેશ તિવારીની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. અતીકના વકીલે જણાવ્યું હતું કે અતીક અહમદ અને અશરફને મેડિકલ ચેકઅપ માટે લઇ જવામાં આવ્યા હતા, તેઓ જેવા બહાર નિકળ્યા કે તુરંત ગોળીબાર થયો હતો. વકીલે દાવો કર્યો હતો કે આ હત્યા થઇ ત્યારે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત નહોતી. જ્યારે પ્રાપ્ત અહેવાલો મુજબ આ હુમલામાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો છે જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે અતીક અને અશરફનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ સમગ્ર હત્યાકાંડને રાત્રે સાડા દસ વાગ્યા આસપાસ અંજામ આપવામાં આવ્યો હતો.

અતીક અને અશરફ પર ફાયરિંગ કર્યા બાદ ત્રણે હુમલાખોરોએ પોલીસને સરેન્ડર કરી દઇને જય શ્રીરામના નારા પણ પોકાર્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે, પ્રયાગરાજની હોસ્પિટલમાં અતીક અને અશરફ જઇ રહ્યા હતા ત્યારે પત્રકારોની સાથે વાતચીત કરવા માગતા હતા, તેઓ પત્રકારો સમક્ષ આગળ વધી રહ્યા હતા ત્યારે જ તેના પર અંધાધુંધ ગોળીબાર થયો હતો. ગોળીબારને કારણે સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી, પોલીસકર્મચારીઓ વચ્ચે પણ નાસભાગ જોવા મળી હતી.

LEAVE A REPLY