અમેરિકાના ટેકનોલોજી ક્ષેત્રમાં મોટાપાયે છટણી અંગે ચિંતા વ્યક્ત કરીને સિલિકોન વેલીના સાંસદોના એક જૂથે માગણી કરી છે કે નોકરી ગુમાવ્યા પછી પણ હાઇ સ્કીલ્ડ ઇમિગ્રન્ટ દેશમાં રહી શકે તે સુનિશ્ચિત કરવા માટે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)એ પગલાં લેવા જોઇએ.
USCISના ડાયરેક્ટર ઉર જદ્દૂને લખેલા પત્રમાં જણાવાયું છે કે આવા ઇમિગ્રન્ટ્સ આજના જ્ઞાન આધારિત અર્થતંત્રમાં અત્યંત મૂલ્યવાન કૌશલ્યો ધરાવે છે અને તેમને યુએસ છોડવાની ફરજ પાડવી તે આપણા રાષ્ટ્રની લાંબા ગાળાની આર્થિક સ્પર્ધાત્મકતા માટે હાનિકારક છે.
આ પત્ર સંસદસભ્યો ઝો લોફગ્રેન, રો ખન્ના, જીમી પેનેટા અને કેવિન મુલિને પાઠવ્યો છે. લોફગ્રેન ઇમિગ્રેશન અને સિટિઝનશિપ અંગેની ગૃહની પેટાસમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે.
પત્રમાં જણાવાયું છે કે તાજેતરના મહિનાઓમાં ટેકનોલોજી ક્ષેત્રમાં છટણીને વેગ મળ્યા હોવાથી આ મુદ્દો અમારા મતદાનક્ષેત્રો માટે ઘણો મહત્ત્વનો છે. 2022ના આખા વર્ષમાં જેટલી છટણી થઈ હતી તેના કરતાં 2023માં અત્યાર સુધીમાં વધુ સંખ્યામાં છટણી થઈ છે. USCISએ અસરગ્રસ્ત ઇમિગ્રન્ટ પર છટણીની અસરો અંગે વિગતવાર ડેટા જારી કરવા જોઇએ અને 60 દિવસના ગ્રેસ પીરિયડમાં વધારો કરવો જોઇએ. USCISએ વિગતો પણ જાહેર કરવી જોઇએ કે નોકરી ગુમાવ્યા પછી કેટલાં H-1B વિઝા હોલ્ડર તેમના કાનૂની રહેઠાણના દરજ્જાને જાળવી શક્યતા છે અને કેટલાંક લોકોનો દેશનિકાલ કરાયો છે.
સાંસદોએ જણાવ્યું છે કે આ સંદર્ભના ડેટા જારી કરવા જોઇએ તેથી છટણીની અસરને અમે વધુ સારી રીતે સમજી શકીએ. બેરોજગાર બનેલા H-1B વિઝા હોલ્ડરે દાખલ કરેલી અરજીઓને પ્રોસેસ કરવામાં કેટલો સમય લાગે છે તેની પણ માહિતી જાહેર કરવી જોઇએ. વિઝા અરજી પેન્ડિંગ હોય તો અરજદાર અમેરિકામાં રહી છે, પરંતુ અમને 60 દિવસના ગ્રેસ પીરિયડ કરતાં પણ વધુ લાંબા પ્રોસેસિંગ પીરિયડ અંગેની ચિંતા છે.