પોર્નસ્ટારને મોં બંધ રાખવા માટે નાણા ચુકવવાના આરોપનો સામનો કરી રહેલા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 2024માં ફરી પ્રેસિડન્ટની ચૂંટણી લડવા માટે 2023ના પ્રારંભથી અત્યાર સુધીમાં આશરે 34 મિલિયન ડોલરનું જંગી ચૂંટણીભંડોળ એકત્ર કર્યું છે.
ટ્રમ્પની શનિવારે ફેડરલ ચૂંટણી કમિશનને તેમના ચૂંટણીભંડોળ અંગેનો રીપોર્ટ સુપરત કરવાના છે. ટ્રમ્પે ચાલુ વર્ષના ત્રણ મહિનામાં તેમના મુખ્ય કેમ્પેઇન એકાઉન્ટ અને જોઇન્ટ ફંડ રેઇઝિંગ એકાઉન્ટમાં 1.88 કરોડ ડોલર એકત્ર કર્યા છે. આમાંથી 40 લાખ ડોલર 30 માર્ચ પછીથી ચૂંટણીભંડોળ મળ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે પોર્ન સ્ટારને નાણા ચુકવવાના કેસમાં મેનહટન જ્યુરીએ 30 માર્ચે ટ્રમ્પ સામે આરોપનામાને મંજૂરી આપી હતી.
ટ્રમ્પે તેમના સામેની આરોપનામા ન્યૂઝ પછી ચૂંટણીભંડોળ એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. આરોપો ઘડવામાં આવ્યાના બે સપ્તાહમાં તેમણે 1.54 કરોડ ડોલર એકત્ર કર્યા હતા. બીજા ઘણા ગુનાઇત આરોપનો સામનો કરી રહેલા ટ્રમ્પ તેમની કાનૂની મુશ્કેલીનો ઉપયોગ કરીને ભંડોળ એકત્ર કરી રહ્યાં છે. ટ્રમ્પ દાવો કરી રહ્યાં છે કે તેમની સામેના કેસો રાજકીય રીતે પ્રેરિત છે.
2024ની પ્રેસિડન્ટની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવાર બનવાની રેસમાં ટ્રમ્પ અગ્રેસર છે. રિપબ્લિકન પાર્ટી તરફ ઉમેદવારોની રેસમાં ભારતીય મૂળના નિક્કી હેલી અને વિવેક રામસ્વામી સહિતના કેટલાંક દાવેદારો છે.