સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ નીતિ કૌભાંડના કેસમાં સમન્સ પાઠવ્યું છે. તપાસ એજન્સીએ તેમને રવિવારે સવારે ૧૧ કલાકે સીબીઆઇની મુખ્ય ઓફિસમાં હાજર રહેવા નોટિસ આપી છે. આમ આદમી પાર્ટીએ આ અંગે જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન કેજરીવાલ વિરુદ્ધનું આ ષડયંત્ર છે. અધિકારીઓના જણાવ્યા મુજબ સીબીઆઇની ટીમ કેજરીવાલ પાસે એક્સાઇઝ પોલિસી કેસ અંગે થોડી પૂછપરછ કરશે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદિયાની ગત મહિને આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઇના સૂત્રોએ જણાવ્યું હતું કે, કેટલાક શરાબ ડીલર્સને લાભ કરાવવા એક્સાઇઝ પોલિસીમાં ફેરફાર કરાયા હોવાનો આરોપ છે. દક્ષિણ ભારતની લોબીએ આ માટે આમ આદમી પાર્ટીને ચૂંટણી માટે ભંડોળ આપ્યું હોવાની આશંકા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પોલિસી ઘડવાની પ્રક્રિયા, દક્ષિણની લોબીનો પ્રભાવ અને એક્સાઇઝ પોલિસી આખરી તબક્કામાં હતી ત્યારે તેમાં ફેરફારથી કેજરીવાલ વાકેફ હતા એટલે તેમની પૂછપરછ જરૂરી છે. કેજરીવાલને નિષ્ણાતોની સમિતિ દ્વારા તૈયાર કરાયેલી વિવિધ વિગતોની ‘ગુમ’ થયેલી ફાઇલ અંગે પણ પ્રશ્નો પૂછાય તેવી શક્યતા છે.