ઉત્તર પ્રદેશમાં છેલ્લા સાત વર્ષમાં 183 ખૂંખાર ગુનેગારોને ઠાર કરવામાં આવ્યા છે. જ્યારે દસ હજારથી વધુ એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે. ગુરુવારે માફિયા ડોન અતીક અહેમદના પુત્ર અસદ અહમદને પણ એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો હતો. યુપી પોલીસના સ્પેશ્યલ ડીજી પ્રશાંત કુમારે જણાવ્યું કે અત્યાર સુધી 183 ગુનેગારોને ઠાર કર્યા છે. જ્યારે આ અસામાજિક તત્વો સામેની કાર્યવાહીમાં 13 પોલીસ જવાનો શહીદ થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, યુપી પોલીસે કરેલા દસ હજાર જેટલા એન્ટાઉન્ટરમાંથી આગ્રામાં 1844 એન્કાઉન્ટર કર્યા છે અને 4654 ગુનેગારોની ધરપકડ કરી છે. આગ્રા પોલીસના ભયથી કેટલાક ગુનેગાર જિલ્લો છોડીને ભાગી ગયા છે. યુપી પોલીસના કહેવા મુજબ સૌથી વધુ એન્કાઉન્ટર પશ્ચિમ યુપીના મેરઠ જિલ્લામાં કરવામાં આવ્યા છે, ત્યાં 2017થી સૌથી વધુ 3152 એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે. એમાં 63 ગુનેગારોને ઠાર મારવામાં આવ્યા છે અને 5967 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. મેરઠમાં પોલીસની કાર્યવાહી દરમિયાન 1708 ગુનેગાર ઘાયલ થયા છે. આ અથડામણોમાં 401 જવાન ઘાયલ થયા છે. જયારે એક પોલીસ જવાન શહીદ થયો છે.