ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં છેલ્લા ત્રણેક દસકાથી કેળાની મોટાપાયે ઉત્પાદન થાય છે. આ પંથકમાં નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામો સહિત અન્ય ગામોમાં પણ કેળાનું ઉત્પાદન થાય છે. હવે આ કેળાની અખાતી દેશોમાં નિકાસ કરવામાં આવી છે.
ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના પાણેથા ગામના ખેડૂત ચંદ્રેશભાઇ ગોરધનભાઇ પટેલ પણ વર્ષોથી કેળાની ખેતી કરે છે. તેઓ કેળાની ખેતી અંગે સારું જ્ઞાન ધરાવે છે અને મોટાપાયે તેનું ઉત્પાદન કરે છે. કેળાની ખેતી તેની રોપણીથી લઇને પરિપક્વ થાય ત્યાં સુધી માવજત માંગી લેતી હોય છે. સમાજના દરેક વર્ગમાં કેળા પ્રિય ફળ ગણાય છે. હિન્દુ ધર્મમાં ઉપવાસના દિવસોમાં અને મુસ્લિમ ધર્મમાં પવિત્ર રમઝાન માસ દરમિયાન કેળાનું વેચાણ મોટાપ્રમાણમાં થાય છે. ખેતરોમાંથી કપાયેલી કેળાની લુમ શહેરોમાં મોટા વેપારીઓના ગોડાઉનોમાં જાય છે, ત્યારબાદ કાચા કેળા પકવીને છુટક બજારમાં વેચાણ માટે આવતા હોય છે.
ચંદ્રેશભાઇ પટેલ દ્વારા ઉત્પાદિત કેળાની આરબ દેશોમાં નિકાસ થાય છે. તેમણે તાજેતરમાં સાત હજાર મણ જેટલા કેળાની નિકાસ કરી હતી. અગાઉ તેમને પુનાની એક સંસ્થા દ્વારા શ્રેષ્ઠ ખેડૂતનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ઝઘડીયા તાલુકામાંથી ડ્રેગન ફ્રુટ (કમલમ ફ્રુટ)નો જથ્થો યુકેમાં લંડન ખાતે મોકલાતા કોમર્સ પ્રધાન પિયુષ ગોયેલે ટ્વિટ કરીને માહિતી આપી હતી.