કર્ણાટકમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણી અગાઉ એક મહત્ત્વપૂર્ણ નિરીક્ષણમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ઓબીસી મુસ્લિમો માટેની ચાર ટકા અનામત રદ કરીને વોક્કાલિગા અને લિંગાયતો માટેના ક્વોટામાં બે-બે ટકાનો વધારો કરવાનો કર્ણાટક સરકારનો નિર્ણય પ્રથમદર્શીય રીતે ખૂબ જ અવિશ્વસનીય અને ખામીયુક્ત જણાય છે. જસ્ટિસ કે. એમ. જોસેફ અને બીવી નાગરથનાની ખંડપીઠે જણાવ્યું હતું કે કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા રેકોર્ડ પરથી એવું લાગે છે કે કર્ણાટક સરકારનો નિર્ણય સંપૂર્ણપણે ખોટી ધારણા પર આધારિત છે. કર્ણાટકના મુસ્લિમ સમુદાય વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, દુષ્યંત દવે અને ગોપાલ શંકરનારાયણને જણાવ્યું હતું કે મુસ્લિમોના ક્વોટાને રદ કરવા માટે કોઈ અભ્યાસ કરાયો નથી અને સરકાર પાસે તેના કોઈ આંકડા ઉપલબ્ધ નથી.
કર્ણાટક સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અરજીઓના જવાબો દાખલ કરવા માટે થોડો સમય માંગ્યો હતો અને ખંડપીઠને ખાતરી આપી હતી કે 24 માર્ચના સરકારના આદેશના આધારે આ દરમિયાન સરકારી નોકરીમાં કોઈ નિમણૂક અને શાળાઓમાં પ્રવેશ કરવામાં આવશે નહીં. વોક્કાલિગા અને લિંગાયત સમુદાય વતી વરિષ્ઠ એડવોકેટ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે તેમનો જવાબ સાંભળ્યા વગર કોઇ વચગાળાનો આદેશ આપવો જોઇએ નહીં. ખંડપીઠે આ મામલાની વધુ સુનાવણી 18 એપ્રિલે નિર્ધારિત કરી હતી. તુષાર મહેતા અને રોહતગીને તેમના જવાબો દાખલ કરવા જણાવ્યું હતું.
કર્ણાટકમાં 10 મેએ વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યની બસવરાજ બોમ્માઇ સરકારે સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે મુસ્લિમો માટેની ચાર ટકા અનામત રદ કરી હતી. આ ચાર ટકા અનામતને વોક્કાલિંગા અને લિંગાયત સમુદાય વચ્ચે વહેંચી હતી. કર્ણાટકમાં આ બંને સમુદાયો રાજકીય રીતે વગદાર છે. ક્વોટા માટે પાત્ર મુસ્લિમોને આર્થિક રીતે નબળા વર્ગો હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના નિર્ણયથી અનામતની મર્યાદા હવે લગભગ 57 ટકા થઈ ગઈ છે.