શિકાગો સ્થિત સ્ટાર્ટ-અપના એક ગુજરાતી સહિત ભારતીય મૂળનાં બે એક્ઝિક્યુટિવ એક બિલિયન ડોલરની કોર્પોરેટ ફ્રોડ સ્કીમના સંચાલન બદલ ફેડરલ જ્યુરી દ્વારા દોષિત ઠર્યા છે. આરોપીઓ પર કંપનીનાં ગ્રાહકો, ધિરાણકર્તાઓ અને રોકાણકારોને છેતરવાનો આરોપ હતો.

10 સપ્તાહથી ચાલી રહેલા આ કેસમાં ન્યાયમૂર્તિએ ટેકનોલોજી કંપની આઉટકમ હેલ્થના સહ-સ્થાપક અને ભૂતપૂર્વ સીઇઓ રિશિ શાહને 22માંથી 19 કાઉન્ટમાં, કંપનીના સહ સ્થાપક અને ભૂતપુર્વ પ્રેસિડન્ટ શ્રદ્ધા અગરવાલને 17માંથી 15 કાઉન્ટમાં અને ભૂતપૂર્વ ચીફ ઓપરેટિંગ ઓફિસર બ્રેડ પુર્ડીને 15માંથી 13 કાઉન્ટમાં દોષિત ઠેરવ્યા હતા.
37 વર્ષીય રિશિ શાહ મેલ ફ્રોડના પાંચ કાઉન્ટ, વાયર ફ્રોડના 10 કાઉન્ટ, બેન્ક ફ્રોડના બે કાઉન્ટ અને મની લોન્ડરિંગના બે કાઉન્ટમાં દોષિત ઠર્યા હતા. આરોપીઓને બેન્ક ફ્રોડનાં પ્રત્યેક એક કાઉન્ટ માટે 30 વર્ષ અને વાયર ફ્રોડ તથા મેઇલ ફ્રોડનાં એક કાઉન્ટ માટે મહત્તમ 20 વર્ષની જેલ સજા થઇ શકે છે. રિશિ શાહને મની લોન્ડરિંગનાં દરેક કાઉન્ટ માટે 10 વર્ષની મહત્તમ જેલની સજા થઈ શકે છે. સજા અંગેની જાહેરાત હવે પછી કરવામાં આવશે. ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કંપનીએ અમેરિકામાં ડોક્ટરોની ઓફિસમાં ટેલિવિઝન સ્ક્રિન અને ટેબ્લેટ્સ ઇન્સ્ટોલ કર્યા હતા અને પછી ગ્રાહકોને એ ડિવાઇસ પરથી એડવર્ટાઇઝિંગ સ્પેસ વેચી હતી. મોટાભાગનાં ગ્રાહકો ફાર્માસ્યુટિકલ કંપનીઓ હતી.

કોર્ટમાં કેસના રજૂ કરવામાં આવેલા પુરાવા પ્રમાણે શાહ, અગરવાલ અને પુર્ડીએ આઉટકમનાં ગ્રાહકોને જેની જરૂર નહોતી તેવી એડવર્ટાઇઝિંગ ઇન્વેન્ટરી વેચી હતી અને પછી પોતાનાં એડવર્ટાઇઝિંગ કેમ્પેઇનમાં તેની અન્ડર-ડિલિવરી કરી હતી.

LEAVE A REPLY