અમેરિકાના વોશિંગ્ટનમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં બીજા ક્રમે સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે અને લઘુમતી મુદ્દાઓ પર દેશને દોષી ઠેરવનારાઓને જમીની વાસ્તવિકતાઓ વિશે કોઈ ખ્યાલ નથી. ભારતમાં મુસ્લિમનો વસ્તી સતત વધી રહી છે. ભારતમાં મુસ્લિમો વિરુદ્ધ હિંસા થઈ રહી છે તે બાબત એક ભ્રમણા છે.
સોમવારે પીટરસન ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ ખાતે વાતચીત દરમિયાન વોશિંગ્ટનના પ્રેક્ષકોને સંબોધતા સીતારમણે કહ્યું હતું કે મોટાભાગના આર્ટિકલમાં સૂચવવામાં આવે છે તે તેમનું જીવન મુશ્કેલ છે અથવા સરકારના ટેકાથી મુશ્કેલ બનાવવામાં આવ્યું છે. હું આ અહેવાલો લખનારા લોકોને ભારત આવવા માટે આમંત્રિત આપું છું. હું તેમની યજમાની કરીશ, ભારતનો પ્રવાસ કરો અને પોતાની વાત સાબિત કરો. હું કહેવા માગું છું કે 1947 પછીથી મુસ્લિમોની વસ્તી વધી રહી છે. બીજી તરફ પાકિસ્તાનમાં મુહાજીરો, શિયા અને અન્ય લઘુમતી જૂથો સામે હિંસા પ્રવર્તે છે, જ્યારે ભારતમાં મુસ્લિમ સમુદાયના દરેક વર્ગ પોતાનો વ્યવસાય કરે છે.
તેમણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા.પાકિસ્તાને પોતાને ઈસ્લામિક દેશ જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે લઘુમતીઓનું રક્ષણ કરાશે. પાકિસ્તાનમાં દરેક લઘુમતીની સંખ્યા ઘટી રહી છે અથવા તો નાશ પામી રહી છે. કેટલાક મુસ્લિમ સંપ્રદાયોનો પણ નાશ કરવામાં આવ્યો છે.