ભારતના ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલના વડપણ હેઠળની આમ આદમી પાર્ટીી (AAP)ને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો સોમવારે દરજ્જો મંજૂર કર્યો હતો. બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી અને શરદ પવાર જેવા દિગ્ગજ નેતાઓની અધ્યક્ષતાવાળા રાજકીય પક્ષોને આંચકો આપીને તૃણમૂલ કોંગ્રેસ, એનસીપી તથા સીપીઆઈનો રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો પાછો ખેંચી લીધો હતો. આ નવા ફેરફારને પગલે દેશમાં રાષ્ટ્રીય પક્ષોની સંખ્યા છ થઈ છે, જેમાં ભાજપ, કોંગ્રેસ, બીએસપી, સીપીઆઈ(એમ), એનપીપી તથા આપનો સમાવેશ થાય છે. દિલ્હી, ગોવા, પંજાબ અને તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં પક્ષે કરેલા દેખાવને આધારે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો અપાયો છે.
બીજા એક અલગ આદેશમાં ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક દળ (આરએલડી), આંધ્રપ્રદેશમાં બીઆરએસ, મણિપુરમાં પીડીએ, પુડ્ડુચેરીમાં પીએમકે, પ. બંગાળમાં આરએસપી તથા મિઝોરમમાં એમપીસીનો રાજ્ય સ્તરના પક્ષ તરીકેનો દરજ્જો પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં તેમના દેખાવને આધારે નાગાલેન્ડ અને મેઘાલયમાં અનુક્રમે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ને રાજ્ય સ્તરના પક્ષ તરીકેનો દરજ્જો મળશે. ચૂંટણી પંચ દ્વારા લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ને નાગાલેન્ડમાં રાજ્ય સ્તરના પક્ષ તરીકે માન્યતા અપાઈ છે.