તિબેટના આધ્યાત્મિક વડા દલાઇ લામાના એક વીડિયોને પગલે મોટો વિવાદ ઊભો થયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દલાઇ લામા આશીર્વાદ માટે નમેલા બાળકના હોઠ પર ચુંબન કર્યા પછી તેને પોતાની ‘જીભ ચૂસવા’ જણાવી રહ્યા છે.બૌદ્ધ ધર્મના સંત વીડિયોમાં જીભ બહાર કાઢી બાળકને તેને ચૂસવાનું જણાવતા નજરે પડે છે. વીડિયોમાં તે સગીરને એવું કહેતા સંભળાય છે કે, “તુ મારી જીભ ચૂસી શકે?” વીડિયોને પગલે ટિ્વટર પર યુઝર્સ રોષે ભરાયા હતા.
જોકે આ ઘટના પછી ટોચના બૌદ્ધ આધ્યાત્મિક વડાએ આ છોકરા અને તેના પરિવાર અને વિશ્વભરમાં તેમના મિત્રોની માફી માંગી હતી. તેમની ટીમ જણાવ્યું હતું કે “તેઓ ઘણી વખત નિર્દોષ અને રમતિયાળ રીતે તેમને મળવા આવતા લોકોને ચીડવે છે”
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯માં દલાઇ લામાના એક નિવેદનથી ભારે વિવાદ થયો હતો. તેમણે જણાવ્યું હતું કે, “મહિલાએ મારા અનુગામી બનવું હશે તો તે ‘આકર્ષક’ હોવી જોઇએ. મહિલા દલાઇ લામા બને તો તે વધુ આકર્ષક હોવી જોઇએ. વિશ્વભરમાં તેમની આવી ટિપ્પણીની ભારે ટીકા થઈ હતી. તેમણે નિવેદન માટે માફી માંગવી પડી હતી.
દલાઇ લામાએ ગયા મહિને અમેરિકામાં જન્મેલા મોંગોલિયન છોકરાની ૧૦મા ખાલખા જેત્સુન ધામ્પા રિનપોચ તરીકે વરણ કરી હતી. તિબેટિયન બુદ્ધિઝમમાં આ ત્રીજો સર્વોચ્ચ હોદ્દો છે. આઠ વર્ષના બાળકને તિબેટિયન બુદ્ધિઝમના ત્રીજા સર્વોચ્ચ હોદ્દા પર નીમવાને કારણે ચીન રોષે ભરાય તેવી શક્યતા છે. અગાઉ ચીન કહી ચૂક્યું છે કે તે પોતાની સરકાર દ્વારા પસંદ કરાયેલા વ્યક્તિને જ બૌદ્ધ લીડર તરીકે માન્યતા આપશે.