ભારતના બહુચર્ચિત મહાઠગ કિરણ પટેલને જમ્મુ-કાશ્મીરથી લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ આવી હતી. ભૂતપૂર્વ પ્રવાસન પ્રધાનના ભાઈનો અમદાવાદમાં સિંધુભવન રોડ પર આવેલો 15 કરોડનો બંગલો પચાવી પાડવા કિરણ પટેલ અને તેની પત્ની માલિનીએ ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવ્યા હતા. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે અગાઉ માલિનીની ધરપકડ કરી હતી. જ્યારે કિરણ પટેલને જમ્મુ-કાશ્મીર પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ લવાયો હતો. હવે ક્રાઈમ બ્રાન્ચ ઠગ કિરણ પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માગશે. મેડિકલ રીપોર્ટ પછી કિરણ પટેલને મેટ્રો કોર્ટ લાવશે. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે, 22 માર્ચ 2023ના રોજ ફરિયાદી જગદીશ ચાવડાએ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. એમાં બે આરોપી હતા. કિરણ જગદીશભાઈ પટેલ અને બીજા તેમના પત્ની માલિની પટેલ. આ અગાઉ માલિનીબહેનની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે કિરણ પટેલ જમ્મુ-કાશ્મીર જેલમાં હતા. તેને કોર્ટના હુકમના આધારે જમ્મુ-કાશ્મીરની જેલમાંથી કબ્જો લઈ વાયા રોડ તેમને લાવવામાં આવ્યા છે.
મેડીકલ ચેકઅપ પછી, લોકલ કોર્ટમાં તેમને હાજર કરી રીમાન્ડની પ્રોસેસ હાથ ધરવામાં આવી છે. કિરણ પટેલ વિરૂદ્ધ પ્રથમ દૃષ્ટીએ કુલ પાંચ ગુના નોંધાયા છે. સાથે જ જે બંગલો પચાવી પાડવાનો કેસ છે તેમાં રીમાન્ડ મેળવાશે. કિરણ પટેલ વિરૂદ્ધ બાયડ, નરોડા, જમ્મુ-કાશ્મીર, અમદાવાદ જેવી જગ્યાએ નેગોસિએબલ એક્ટ હેઠળ ચેક બાઉન્સના કેસ નોંધાયા છે.