તાજેતરમાં કાર્નિવલ ઓફ નાઇસમાં પર્ફોર્મન્સ આપીને પરત થયેલા શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરીના શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડના 19 અગ્રણી કલાકારોએ 17થી 20 માર્ચ દરમિયાન ટ્યુનિશિયાના યાસ્મીન હમ્મામેટમાં આંતરરાષ્ટ્રીય કાર્નિવલમાં 40,000 થી વધુ દર્શકો સામે પરફોર્મન્સ આપ્યું હતું.
‘લે કાર્નાવલ ઇન્ટરનેશનલ ડી યાસ્મીન હમ્મામેટ’ની 8મી આવૃત્તિમાં 330 સ્થાનિક ટ્યુનિશિયન કલાકારોની સાથે પરફોર્મ કરવા માટે 8 જુદા જુદા દેશોના 320 કલાકારોનું સ્વાગત કરાયું હતું. જેમાં ડ્રમ બેન્ડ અને બ્રાસ બેન્ડથી લઈને મેજોરેટ અને ફ્લેગ-વેવર્સ સુધીના કાર્યક્રમો રજૂ થયા હતા.
કિંગ્સબરીના શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડના કલકારોએ પરંપરાગત સ્કોટિશ, ભારતીય અને આધુનિક પોપ સંગીતના વૈવિધ્યસભર મિશ્રણથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા. કાર્નિવલમાં તેમના સ્કોટિશ પોશાક, તેમની એકરૂપતા અને તેમની મજબૂત શિસ્તની પ્રશંસા કરાઇ હતી.
26 વર્ષની વયના તરુણ પટેલે જણાવ્યું હતું કે ‘આ કાર્નિવલનો મેં પ્રથમ વખત અનુભવ કર્યો છે અને વિશ્વભરમાંથી આવેલા ઘણા અદ્ભુત કલાકારોને જોવાનો, અનુભવવાનો અદ્ભુત સમય અનેરો હતો. તેમના રંગબેરંગી કોસ્ચ્યુમ, અદભૂત નૃત્યો અને ઉત્કૃષ્ટ મ્યુઝિકલ પર્ફોર્મન્સે કાર્નિવલને એક યાદગાર કાર્યક્રમ બનાવ્યો હતો.’
આ કાર્નિવલે ટ્યુનિશિયાની સમૃદ્ધ સંસ્કૃતિનો અનુભવ કરવાની અનન્ય તક પૂરી પાડી હતી અને પ્રતિષ્ઠિત બેન્ડ આંતરરાષ્ટ્રીય હિટ બની ગયું હતું.
લશ્કરી શૈલી અને શિસ્ત સાથેના નાગરિક બેન્ડ તરીકે આ બેન્ડની સ્થાપના 1972માં કરાઇ હતી. જેણે અસંખ્ય સખાવતી કાર્યો અને જરૂરિયાતમંદો માટે હજારો પાઉન્ડ એકત્ર કર્યા છે. બેન્ડે મહારાણી એલિઝાબેથ II ગોલ્ડન, ડાયમંડ અને પ્લેટિનમ જ્યુબીલી સહિત મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પ્રદર્શન કર્યું હતું. લંડન બેન્ડ વિશ્વભરમાં પાંચ સિસ્ટર બેન્ડ ધરાવે છે, ગ્રેટર માન્ચેસ્ટર (બોલ્ટન), યુએસએ, ઓસ્ટ્રેલિયા, કેન્યા અને ભારત. જે 300 થી વધુ સભ્યો ધરાવે છે.