જ્યોર્જિયા એસેમ્બ્લીએ હિન્દુફોબિયાની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો છે. આવી હિલચાલ કરનારું તે અમેરિકાનું પ્રથમ રાજ્ય બન્યું છે. હિંદુફોબિયા અને હિંદુ વિરોધી ધર્માંધતાની નિંદા કરતા આ ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે હિંદુ ધર્મ વિશ્વનો સૌથી મોટો અને સૌથી જૂનો ધર્મ છે. 100થી વધુ દેશોમાં હિન્દુ ધર્મના 1.2 બિલિયનથી વધુ અનુયાયીઓ છે. તે સ્વીકૃતિ, પરસ્પર આદર અને શાંતિના મૂલ્યો સાથે વિવિધ પરંપરાઓ અને માન્યતા પ્રણાલીઓ ધરાવતો ધર્મ છે.
એટલાન્ટાના ફોર્સીથ કાઉન્ટીના પ્રતિનિધિઓ લોરેન મેકડોનાલ્ડ અને ટોડ જોન્સે આ ઠરાવ રજૂ કર્યો હતો. એટલાન્ટામાં મોટાપાયે હિન્દુઓ વસવાટ કરે છે. ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકન-હિન્દુ સમુદાય મેડિકલ, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, નાણા, શિક્ષણ, નિર્માણ, ઊર્જા, રિટેલ બિઝનેસ જેવા વિવિધ ક્ષેત્રોમાં મુખ્ય યોગદાન આપનાર સમુદાય છે. યોગ, આયુર્વેદ, ધ્યાન, ભોજન, સંગીત, કલાના ક્ષેત્રોમાં હિન્દુ સમુદાયના યોગદાનથી સાંસ્કૃતિક માળખાને સમૃદ્ધ બનાવ્યું છે. અમેરિકન સમાજે આને વ્યાપકપણે અપનાવ્યું છે અને લાખો લોકોના જીવનમાં સુધારો કર્યો છે.
ઠરાવમાં જણાવાયું છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં દેશના કેટલાક ભાગોમાં હિંદુ-અમેરિકનો વિરુદ્ધ નફરતના અપરાધોના મામલા બન્યા છે. હિંદુફોબિયાને કેટલાક શિક્ષણવિદો દ્વારા સંસ્થાકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે જેઓ હિંદુ ધર્મને ખત્મ કરવાનો સમર્થન કરે છે અને તેના પવિત્ર ગ્રંથો પર હિંસા અને ઉત્પીડનની પ્રથાનો આક્ષેપ લગાવે છે.
આ સંદર્ભે એક હિલચાલની આગેવાની કોલાઈઝન ઓફ હિંદુઝ ઓફ નોર્થ અમેરિકા (COHNA)ના એટલાન્ટા ચેપ્ટર ઓફ હિંદુઝ ઓફ નોર્થ અમેરિકા (CoHNA) લીધી હતી. એટલાન્ટા ચેપ્ટરે જ્યોર્જિયાના કેપિટલમાં 22 માર્ચે પ્રથમ હિન્દુ એડવોકેસી ડેનું આયોજન કર્યું હતું. તેમાં રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ સહિત 25 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
અમેરિકન-હિન્દુ સમુદાયે આ ઠરાવ પાસ થવા પર ખુશી વ્યક્ત કરી હતી. કોલાઈઝન ઓફ હિંદુઝ ઓફ નોર્થ અમેરિકા (COHNA)ના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ મેનને જણાવ્યું હતું કે, મેકડોનાલ્ડ અને જોન્સ સહિત અન્ય પ્રતિનિધિઓ સાથે કામ કરવું એ સન્માનની વાત છે, જેમણે આ કાઉન્ટી પ્રસ્તાવ પાસ કરવાની પ્રક્રિયામાં યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
COHNAના જનરલ સેક્રેટરી શોભા સ્વામીએ જણાવ્યું હતું કે, ‘જ્યોર્જિયા અને બાકીના દેશમાં હિન્દુફોબિક નિવેદનો હિન્દુ અમેરિકન સમુદાયના મહેનતુ, કાયદાનું પાલન કરનાર અને અમેરિકન માળખાને મજબૂત કરનાર લોકો પર નકારાત્મક અસર કરી રહ્યા છે.