વિશ્વભરમાં સોશિયલ મીડિયાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે તેના પર ઘણીવાર ખોટા સમાચાર ફરતા થાય છે અને તેનાથી અનેક લોકો ગેરમાર્ગે દોરાય છે. આમ, આવા ફેઇક ન્યૂઝ અથવા ખોટી માહિતી ઉપયોગકર્તાઓ માટે મોટું દૂષણ બની ગયું છે. ભારતમાં ઓનલાઇન માધ્યમો દ્વારા ખોટી માહિતીના પ્રસારનું પ્રમાણ ૨૦૨૩માં સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે ત્યારે ગૂગલે ભારત સહિત વિશ્વભરમાં ‘એબાઉટ ધીસ રીઝલ્ટ’ ફીચર લોન્ચ કર્યું છે.

ગૂગલના નવા ફીચરથી વિશ્વભરના લોકો સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતીનું મૂલ્યાંકન કરી શકશે. ઉપરાંત, માહિતીનો સ્રોત શું છે એ પણ જાણી શકાશે. ગૂગલે એક બ્લોગસ્પોટમાં જણાવ્યું હતું કે, “હવે તમે હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી, તમિલ, બંગાળી, કન્નડ, મલયાલમ, તેલુગુમાં સર્ચ કરશો ત્યારે તમને ગૂગલ સર્ચના મોટા ભાગના રીઝલ્ટની બાજુમાં ત્રણ ટપકા દેખાશે. તેના પર સ્પર્શ કરવાથી એ માહિતી વિશે યુઝર વિસ્તૃત માહિતી મેળવી શકશે. જેમકે, માહિતીનો સ્રોત શું છે અને ગૂગલની સીસ્ટમે તેનું કેવી રીતે મૂલ્યાંકન કર્યું છે સહિતની વિગત જાણવા મળશે.” યુઝર્સ નવા ફીચરની મદદથી વિવિધ બાબતોની સમીક્ષા દ્વારા યોગ્ય નિર્ણય લઈ શકશે. ગૂગલનું નવું ફીચર સાચી માહિતી માટે કઈ સાઇટ્સની મુલાકાત લેવી અને કયા રિઝલ્ટ સૌથી મદદરૂપ બનશે તેની માહિતી આપશે.

ગૂગલે દુષ્પ્રચાર અથવા ખોટી માહિતીની વધુ સારી સમજણ કેવી રીતે કેળવવી એ મુદ્દે તાલીમ તૈયાર કરવા મીડિયા નિષ્ણાતો સાથે ભાગીદારી કરી છે. જેથી યુઝર્સને સાચી માહિતી જાણવામાં મદદ મળી શકે. ભારતમાં ગૂગલે મીડિયા લિટરસી નેટવર્ક ‘ફેક્ટશાલા’ સાથે જોડાણ કર્યું છે. ફેક્ટશાલા સાથે ૨૫૦ પત્રકારો સંકળાયેલા છે. ઉપરાંત, ૧૫થી વધુ ભારતીય ભાષામાં વર્કશોપ અને પ્રોગ્રામનું સંચાલન કરતા અન્ય નિષ્ણાતો પણ ફેક્ટશાલા સાથે સક્રિય છે. ગૂગલના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે ફેક્ટશાલા મીડિયા અને કમ્યુનિટી સંસ્થાઓને મદદ કરવા ‘ઇન્ક્યુબેટર પ્રોગ્રામ’ લોન્ચ કરી રહી છે.

LEAVE A REPLY