Spouses of H-1B visa holders may work in the US

અમેરિકાના ટેકનોલોજી ક્ષેત્રમાં મોટાપાયે છટણી થઈ ત્યારે અમેરિકાની એક કોર્ટે H-1B વિઝા હોલ્ડર્સને મોટી રાહત થાય તેવો ચુકાદામાં જણાવ્યું હતું કે H-1B વિઝા હોલ્ડર્સના જીવનસાથી દેશમાં નોકરી કરી શકે છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ તાન્યા ચુટકને સેવ જોબ્સ યુએસએ દ્વારા દાખલ કરાયેલા મુકદ્દમાને ફગાવી દીધો હતો, જેમાં તેને H-1B વિઝા ધારકોની અમુક કેટેગરીના જીવનસાથીને રોજગાર અધિકૃતતા કાર્ડ (એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન કાર્ડ) આપતા ઓબામા-યુગના નિયનને ફગાવી દેવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો.

સેવ જોબ્સ યુએસએ આઇટી પ્રોફેશનલ્સનું એક સંગઠન છે. આ સંગઠનનો દાવો છે કે H-1B વર્કર્સને કારણે તેમણે નોકરી ગુમાવી છે. એમેઝોન, એપલ, ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી ટેક કંપનીઓએ આ કાનૂની દાવાનો વિરોધ કર્યો હતો. અમેરિકાએ અત્યાર સુધી H-1B વર્કર્સના જીવનસાથેની આશરે 1,00,000 વર્ક ઓથોરાઇઝેશન કાર્ડ આપ્યા છે.

આદેશમાં ન્યાયાધીશે જણાવ્યું હતું કે સેવ જોબ્સ યુએસએની પ્રાથમિક દલીલ એ છે કે કોંગ્રેસે ક્યારેય પણ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી ઓથોરિટીને એચ-4 વિઝા ધારકો જેવા વિદેશી નાગરિકોને યુનાઇટેડ સ્ટેટ્સમાં તેમના રોકાણ દરમિયાન કામ કરવાની મંજૂરી આપી નથી. પરંતુ આ દલીલ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની વિરુદ્ધ છે. ન્યાયાધીશે લખ્યું કે કોંગ્રેસે સ્પષ્ટપણે અને જાણી જોઈને યુએસ સરકારને H-4 જીવનસાથીના યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેવાની અનુમતિપાત્ર શરત તરીકે રોજગારને અધિકૃત કરવાની સત્તા આપી છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અને તેના પુરોગામીઓએ માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં, પરંતુ તેમના જીવનસાથી અને આશ્રિતો માટે પણ રોજગાર અધિકૃત કર્યા છે.

આ ઉપરાંત ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ લાંબા સમયથી વિદેશી સરકારી અધિકારીઓના જીવનસાથી તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના અધિકારીઓના જીવનસાથીને વર્ક ઓથોરાઇઝેશન આપ્યા છે.

ઇમિગ્રન્ટ અધિકારોના હિમાયતી અજય ભુટોરિયાએ H-1B જીવનસાથીને કામ કરવા અને તેમના પરિવારોને ટેકો આપવા માટે કોર્ટના નિર્ણયને બિરદાવ્યો હતો.H-1B વિઝા પ્રોગ્રામ હેઠળ કુશળ વિદેશી કામદારોને યુનાઇટેડ સ્ટેટ્સમાં આવીને અને અમેરિકન કંપનીઓ માટે નોકરી કરી શકે છે. જો કે, તાજેતર સુધી, H-1B જીવનસાથીને કામ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી, તેનાથી ઘણીવાર પરિવારો પર નોંધપાત્ર નાણાકીય બોજ પડતો હતો. ભુટોરિયાએ જણાવ્યું હતું કે “H-1B વિઝા ધારકોના જીવનસાથીઓને કામ કરવાની મંજૂરી આપવાના કોર્ટના નિર્ણય સાથે, દેશભરના હજારો પરિવારો રાહતનો શ્વાસ લઈ શકશે. આ નિર્ણય એવા પરિવારોને ખૂબ જ જરૂરી રાહત આપશે જેઓ જીવન નિર્વાહ માટે સંઘર્ષ કરી રહ્યા છે અને તે સુનિશ્ચિત કરવામાં મદદ કરશે કે આ પરિવારો સાથે રહીને પ્રગતિ કરી શકશે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે “H-1B જીવનસાથીઓને કામ કરવાની મંજૂરી આપવી એ માત્ર આર્થિક ઔચિત્યની બાબત નથી, પરંતુ તે પારિવારિક એકતા અને સ્થિરતાની પણ બાબત છે. હું કોર્ટના નિર્ણયને બિરદાવું છું અને હું આશા રાખું છું કે તે ઉદાર અને એકસમાન ઇમિગ્રેશન સિસ્ટમ તરફથી પ્રથમ પગલું છે.”

ગૂગલ, માઈક્રોસોફ્ટ અને એમેઝોન જેવી કંપનીઓમાં તાજેતરની છટણીની શ્રેણીને કારણે યુ.એસ.માં હજારો ભારતીય આઈટી પ્રોફેશનલ્સ તેમની નોકરી ગુમાવી ચૂક્યા છે, તેઓ હવે તેમના વર્ક વિઝાની સમાપ્તિ પછી નિર્ધારિત સમયગાળાની અંદર નવી રોજગાર શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ધ વોશિંગ્ટન પોસ્ટ અખબાર અનુસાર, ગયા વર્ષે નવેમ્બરથી લગભગ 200,000 IT કામદારોની છટણી કરવામાં આવી છે. ઉદ્યોગના કેટલાક આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ, તેમાંથી 30 થી 40 ટકા ભારતીય આઇટી પ્રોફેશનલ્સ છે, જેમાંથી નોંધપાત્ર સંખ્યામાં H-1B અને L1 વિઝા પર છે.
.

LEAVE A REPLY