2008ના અધિકૃત જીવનચરિત્ર ‘વીએસ નાયપોલ એન્ડ ઇન્ડિયા’થી જાણીતા જીવનચરિત્રકાર, લેખક અને ઈતિહાસકાર પેટ્રિક ફ્રેન્ચનું 56 વર્ષની વયે કેન્સર સામેની બહાદુરીભરી લડાઈ બાદ લંડનમાં અવસાન થયું છે.
ફ્રેંચને મિત્રો અને સાથીદારોએ એક ‘અવિચળ ઉદાર’ માનવી ગણાવી ભારતની આસપાસના સંવેદનશીલ અને જટિલ મુદ્દાઓ વિશેના તેમના લેખનની વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી હતી. તેમના મૃત્યુના સમાચાર પેંગ્વિન પ્રેસ ગ્રુપના ભૂતપૂર્વ પ્રકાશક અને તેમની પત્ની મેરુ ગોખલે દ્વારા જાહેર કરાયા હતા.
તેમણે જણાવ્યું હતું કે “તેઓ ઘણા લોકો માટે અસાધારણ પિતા, મિત્ર, પતિ, શિક્ષક અને માર્ગદર્શક હતા. તેમની દયા અને પ્રેમ હંમેશ માટે અમારી સાથે રહેશે. તે વેદના વિના શાંતિથી ગયા છે.”
1966માં ઈંગ્લેન્ડમાં જન્મેલા, ફ્રેન્ચે એડિનબરા યુનિવર્સિટીમાં સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. તેમણે નેશનલ બુક ક્રિટીક્સ સર્કલ એવોર્ડ, સન્ડે ટાઈમ્સ યંગ રાઈટર ઓફ ધ યર અને સમરસેટ મોઘમ એવોર્ડ સહિત અનેક પ્રતિષ્ઠિત લેખન પુરસ્કારો જીત્યા હતા. તેમના 1998ના કાર્ય, લિબર્ટી ઓર ડેથઃ ઈન્ડિયાઝ જર્ની ટુ ઈન્ડિપેન્ડન્સ એન્ડ ડિવિઝનમાં બ્રિટિશ શાસનમાંથી મુક્તિ માટેના રાષ્ટ્રના સંઘર્ષનો ક્રોનિકલિંગ સહિત ભારત પરના તેમના લખાણ માટે તેમને વ્યાપકપણે માન આપવામાં આવ્યું હતું.
તેમણે પુસ્તકો અને પત્રકારત્વ માટે વારંવાર પ્રશંસા પ્રાપ્ત કરી હતી. તો જટિલ વિષયોની બાબતોનો સામનો કરવાની તેમની ક્ષમતા પણ દર્શાવી હતી. તેમની સૌથી અગ્રણી કૃતિઓમાં ‘ધ વર્લ્ડ ઈઝ વોટ ઈટ ઈઝઃ ધ ઓથોરાઈઝ્ડ બાયોગ્રાફી ઓફ વી.એસ. નાયપોલ’ અને ‘2011ઝ ઈન્ડિયાઃ એ પોટ્રેટ’ છે, જેને સેમ્યુઅલ જોન્સન પ્રાઈઝ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હતું.
ઈતિહાસકાર અને ગાંધી જીવનચરિત્રકાર રામચંદ્ર ગુહા, પત્રકાર અને ટોક શોના હોસ્ટ વીર સંઘવી, લેખક વિલિયમ ડેલરીમ્પલ, બીબીસીના પત્રકાર સૌતિક બિસ્વાસે તેમને અંજલિ આપી હતી. ફ્રેન્ચ પોતાના પત્ની મેરુ ગોખલે અને તેમના ચાર બાળકોને વિલાપ કરતા મૂકી ગયા છે.