ભારત સરકારના અનુરોધને પગલે નેપાળે સોમવારે ભાગેડુ ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહને તેના સર્વેલન્સ લિસ્ટમાં મૂક્યો હતો. અમૃતપાલ નેપાળમાં છુપાયો હોવાનું માનવામાં આવે છે. અગાઉ ભારતે અનુરોધ કર્યો હતો કે તેને ત્રીજા દેશમાં ભાગી જવાની મંજૂરી ન આપવી અને જો તે ભારતીય પાસપોર્ટ કે અન્ય બનાવટી પાસપોર્ટનો ઉપયોગ કરીને ભાગી જવાનો પ્રયાસ કરે તો તેની ધરપકડ કરવી.
ભારતીય દૂતાવાસના અનુરોધને કારણે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે અધિકારીએ જણાવ્યું હતું કે ભારત સરકારે લેખિત નોંધ મોકલી છે કે અમૃતપાલ સિંહે નેપાળમાં ધૂસ્યો હોવાની આશંકા છે. ભારત સરકારે તેના પાસપોર્ટની નકલ પણ આપી છે. એવી આશંકા છે કે અમૃતપાલ નેપાળમાં ઘૂસ્યો હતો અને ક્યાંક છુપાયો છે. આ પત્ર અને અમૃતપાલની અંગત વિગતો તમામ સંબંધિત એજન્સીઓને હોટલથી લઈને એરલાઈન્સ સુધી પહોંચાડવામાં આવી છે.
અમૃતપાલે વિવિધ ઓળખ સાથે ઘણા પાસપોર્ટ ધરાવતો હોવાનું માનવામાં આવે છે. તે 18 માર્ચથી ભાગતો ફરે છે. પંજાબ પોલીસે તેની ધરપકડ કરવા માટે મોટાપાયે અભિયાન હાથ ધર્યું હતું, પરંતુ તે પોલીસને હાથતાળી આપીને ભાગી છૂટ્યો હતો. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નેપાળ-ભારત સરહદ વિસ્તારમાં તમામ સુરક્ષા એજન્સીઓને હાઇએલર્ટ રહેવાની તાકીદ કરી હતી.