રવિવારની આ ઘટના કેનેડા અને ઑસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા સમાન કટ્ટરપંથી હુમલા પછી બની છે. ગયા અઠવાડિયે, ખાલિસ્તાન સમર્થકોએ અનધિકૃત મેળાવડાનું આયોજન કરતાં ઑસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરમાં ભારતના માનદ કૉન્સ્યુલેટને બુધવારે સલામતીની ચિંતાઓને કારણે બંધ કરવાની ફરજ પડી હતી. ત્યાં ઑફિસમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે તેમની ભારત મુલાકાત દરમિયાન તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીને ખાતરી આપી હતી કે તેમની સરકાર ધાર્મિક સ્થાનો પરના હુમલા જેવા કોઈપણ કટ્ટરવાદી પગલાં સહન કરશે નહીં. તાજેતરના મહિનાઓમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા મેલબોર્નમાં કેટલાક હિંદુ મંદિરોમાં તોડફોડ કરી હતી. જે પછી ભારતે ઓસ્ટ્રેલિયન સત્તાવાળાઓ સમક્ષ આ મુદ્દો વારંવાર ઉઠાવ્યો છે. ભારતે ઓસ્ટ્રેલિયન સરકારને ખાલિસ્તાની અલગતાવાદીઓની ભારત વિરોધી ગતિવિધિઓ અને દેશના હિંદુ મંદિરો પરના હુમલાઓને રોકવા માટે કહ્યું છે.
કેનેડામાં પણ ખાલિસ્તાની સમર્થકો દ્વારા કેટલાક હિંદુ મંદિરોમાં તોડફોડ સહિતની ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળ્યો છે. જે અંગે ગયા સપ્ટેમ્બરમાં, ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડામાં ભારતીયો સામેના હેટ ક્રાઇમ અને ભારત વિરોધી પ્રવૃત્તિઓને વખોડતું નિવેદન બહાર પાડીને કડક ભાષામાં ચિંતા વ્યક્ત કરી હતી.