ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંઘ સામેની પંજાબ પોલીસની કાર્યવાહીનો વિરોધ કરવા રવિવાર તા. 19ના રોજ બપોરે લંડનમાં ઓલ્વીચ ખાતે આવેલ ભારતીય હાઇ કમિશન ખાતે ખાલીસ્તાની સમર્થકોએ સુત્રોચ્ચારો કરી ભારતીય રાષ્ટ્રદ્વજ ત્રિરંગાને નીચે ઉતારીને ખાલિસ્તાનનો ધ્વજ લહેરાવવાની અને બારીઓ તોડવાની ઘટના બાદ યુકેમાં વસતા ભારતીયોમાં આક્રોશ વ્યાપી ગયો છે. ભારત સરકારે આ ઘટના અંગે તીખી પ્રતિક્રિયા આપી હતી. ભારતના વિદેશ મંત્રાલયે રવિવારે સાંજે નવી દિલ્હીમાં યુકેના સૌથી વરિષ્ઠ રાજદ્વારીને સમન્સ કરી આ ઘટના અંગે આકરા પગલા લેવા અને લંડનમાં હાઇ કમિશન સંકુલમાં “સુરક્ષાના અભાવ” અંગે ખુલાસો માંગ્યો હતો. તો બીજી તરફ યુકે સરકારે ભારતીય હાઈ કમિશનની સુરક્ષાને “ગંભીરતાથી” લેવાની અને અલગતાવાદી તત્વો દ્વારા ખાલિસ્તાની ઝંડો લહેરાવનાર વિરોધીઓના જૂથ દ્વારા કરાયેલી તોડફોડને “શરમજનક” અને “સંપૂર્ણપણે અસ્વીકાર્ય” ગણાવી ભારતીય હાઇ કમિશનની સુરક્ષા માટે શ્રેણીબધ્ધ પગલા લેવાની જાહેરાત કરી હતી.
લંડનમાં ઇન્ડિયન હાઇકમિશન સમક્ષ વિરોધી દેખાવો રવિવારે શરૂ થયા હતા. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા કેટલાક સેલફોન વીડિયોમાં એક દેખાવકારને ભારતીય હાઇ કમિશનની બાલ્કની પર ચઢીને ભારતીય રાષ્ટ્રધ્વજને નીચે ઉતારતો અને પછી ખાલીસ્તાનનો ધ્વજ ફરકાવી તેને સ્થાપિત કરતો જોવા મળ્યો હતો. તો બારીઓના કાચ તોડી નાંખવામાં આવ્યા હતા. જો કે ભારતીય હાઇ કમિશનના એક અધિકારીએ તેનો પ્રયાસ નાકામ બનાવીને ભારતીય રાષ્ટ્રદ્વજને સુરક્ષીત રીતે પોતાની પાસે લઇ લીધો હોવાનુ અને ખાલીસ્તાનનો ધ્વજ ફગાવી દીધો હોવાનું વિડીયોમાં જણાયું હતું.
મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે ‘’બપોરે 1-50 કલાકે પોલીસ બોલાવવામાં આવી હતી. આ ઘટનામાં હાઇ કમિશનના સુરક્ષા સ્ટાફના બે સભ્યોને સામાન્ય ઈજાઓ થઈ હતી. હિંસક અવ્યવસ્થાની શંકાના આધારે ધરપકડ બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. અમે હાઇ કમિશનની સુરક્ષા વિશે વધુ બાબતોની ચર્ચા કરી શકતા નથી. આ તોફાનો દરમિયાન હાઈ કમિશન બિલ્ડીંગની બારીઓ તૂટી ગઈ હતી. પોલીસ અધિકારીઓ સ્થળ પર આવતાં જ મોટાભાગના તોફાનીઓ વિખેરાઈ ગયા હતા. હાલમાં પોલીસ તપાસ અને પૂછપરછ ચાલુ છે.”
બ્રિટનના ફોરેન ઓફિસ મિનિસ્ટર લોર્ડ તારિક અહમદે હુમલા પછી તરત જ ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે ‘હું ભયભીત થયો હતા અને બ્રિટિશ સરકાર હંમેશા હાઇ કમિશનની સુરક્ષાને ગંભીરતાથી લેશે. મિશન અને તેના સ્ટાફની અખંડિતતા સામે આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય કાર્યવાહી છે.”
ભારતના વિદેશ મંત્રાલયે (MEA) નિવેદનમાં જણાવ્યું હતું કે ‘’બ્રિટનના હાઈ કમિશનર એલેક્સ એલિસ દિલ્હીની બહાર હોવાથી બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર ક્રિસ્ટીના સ્કોટને ઘટનાને ધ્યાનમાં રાખીને MEA ખાતે બોલાવવામાં આવ્યા હતા. જેમની સમક્ષ બ્રિટિશ સુરક્ષાની સંપૂર્ણ ગેરહાજરી માટે ખુલાસાની માંગ કરાઇ હતી. જેને કારણે આ તત્વોને હાઈ કમિશન પરિસરમાં પ્રવેશવાનો મોકો મળ્યો હતો. બ્રિટન પાસેથી સુરક્ષાના સંપૂર્ણ અભાવ માટે સ્પષ્ટતા માગવામાં આવી છે. સુરક્ષાના અભાવે આવા તત્વો હાઈ કમિશન પરિસરમાં ઘુસ્યા હતા. યુકેના રાજદ્વારીને વિયેના સંધિ હેઠળ યુકે સરકારની મૂળભૂત જવાબદારીઓ વિશે યાદ અપાવવામાં આવી હતી. ભારતીય રાજદ્વારી પરિસર અને કર્મચારીઓની સુરક્ષા પ્રત્યે યુકે સરકારની ઉદાસીનતા “અસ્વીકાર્ય” છે. યુકે સરકાર આજની ઘટનામાં સંડોવાયેલા દરેકને ઓળખવા, ધરપકડ કરવા અને કાર્યવાહી કરવા માટે તાત્કાલિક પગલાં લેશે અને આવી ઘટનાઓના પુનરાવર્તનને રોકવા માટે કડક પગલાં લેશે તેવી અપેક્ષા છે.’’
ઈન્ડિયા હાઉસ બિલ્ડીંગની તોડી નંખાયેલી બારીઓ અને દેખાવ કરતા ખાલીસ્તાની સમર્થકોની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. જેમાં ઘટનાસ્થળે લેવાયેલા એક વિડીયોમાં એક ભારતીય અધિકારી મિશનની પહેલા માળની બાલ્કનીમાંથી એક પ્રદર્શનકારી પાસેથી ભારતનો રાષ્ટ્રધ્વજ આચંકી લેતા જોવા મળ્યા હતા, જ્યારે એક વિરોધી ખાલીસ્તાની ધ્વજ લહેરાવતો જોવા મળ્યો હતો.
ભારતીય ડાયસ્પોરા જૂથોએ આ ઘટના બાદ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. જેમાં યુકેના સ્થાનિક ગુરુદ્વારાઓના અગ્રણીઓનો સમાવેશ થાય છે. એક સંયુક્ત નિવેદનમાં, બ્રિટિશ શીખ સમુદાયના નેતાઓએ કહ્યું હતું કે “દરેક વ્યક્તિને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ ભારતીય હાઈ કમિશનના કર્મચારીઓ સામે હિંસા અથવા ધમકીઓનો ઉપયોગ કરવો અને ભારતના રાષ્ટ્રધ્વજ ત્રિરંગાને બળપૂર્વક હટાવવાનો પ્રયાસ કરવો તે સ્વીકાર્ય નથી અને અમે આ પગલાની નિંદા કરીએ છીએ. આવો હુમલો યુકે અને ભારતના સંબંધો અને આપણાં સમુદાયના જોડાણને નુકસાન પહોંચાડવા સિવાય કંઈ પણ આપી શકતા નથી.”
નવી દિલ્હીમાં, ફોરેન સેક્રેટરી વિનય ક્વાત્રાએ સોમવારે જણાવ્યું હતું કે ‘’ભારતે યુકે સરકારને લંડનમાં તેના મિશન પર ભારતીય ધ્વજ નીચે ખેંચવામાં સામેલ લોકોની ઝડપથી ધરપકડ કરવા અને કાર્યવાહી કરવા કહ્યું છે. બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનરને બોલાવવામાં આવ્યા હતા અને ભારતે માગણી કરી હતી કે રવિવારે લંડનમાં જે બન્યું તેના ગુનેગારોની ઝડપથી “ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવે”.
પંજાબ પોલીસની કટ્ટરપંથી ઉપદેશક અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓ પરની કામગીરીના વિરોધમાં ખાલિસ્તાન સમર્થકો સોમવારે તા. 20ના રોજ ઓસ્ટ્રેલિયાની સંસદની બહાર એકઠા થયા હતા.