ચાન્સેલર જેરેમી હન્ટે તેમના સ્પ્રિંગ બજેટમાં માતાપિતા કામે જઇ શકે તે માટે નવ મહિનાથી વધુ ઉંમરના પાત્ર બાળકો માટે 30 કલાકની મફત બાળસંભાળ, પાઇન્ટ્સ પરની ડ્યૂટીમાં ઘટાડો, બીજા 12 મહિના માટે ફ્યુઅલ ડ્યૂટી ફ્રીઝ, પેન્શન અને ડીસેબીલીટી બેનીફીટ્સમાં ફેરફારો અને એનર્જી બિલ સપોર્ટ સહિતની આનંદદાયક જાહેરાતો કરતા બ્રિટન પાછુ પ્રગતિના પાટા પર સડસડાટ દોડે તેવી આશાઓ બંધાઇ છે. ચાન્સેલર જેરેમી હંટે હાઉસ ઓફ કોમન્સમાં તેમના પ્રથમ બજેટની સામગ્રીનું અનાવરણ કરી 50 કરતા વધુ વયના કર્મચારીઓને નોકરીઓ પર પરત લાવવા રીટર્નશીપ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે.
બુધવારે કોમન્સને સંબોધતા શ્રી હન્ટે કહ્યું હતું કે ‘’આ લાંબા ગાળાનુ, ટકાઉ, સ્વસ્થ વિકાસ માટેનું બજેટ હશે અને તે હેતુ સાથે સમૃદ્ધિ આપશે. ફુગાવો ગયા વર્ષના અંતિમ ક્વાર્ટરમાં 10.7 ટકાથી ઘટીને 2023ના અંત સુધીમાં 2.9 ટકા થઈ જશે.’’
લેબર નેતા સર કોર સ્ટાર્મરે જણાવ્યું હતું કે આ બજેટ દેશને “વ્યવસ્થિત પતનના માર્ગ પર” મૂકે છે. લેબરે બજેટને ‘મોટી સર્જરી’ની જરૂર હોય તેવા દેશ માટે ‘સ્ટીકિંગ પ્લાસ્ટર’ ગણાવી તેની નિંદા કરી છે.
જેરેમી હંટે સાંસદોને કહ્યું હતું કે ‘’બ્રિટિશ અર્થતંત્ર શંકા કરનારાઓને ખોટું સાબિત કરી રહ્યું છે અને ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી (OBR) હવે આગાહી કરી રહ્યું છે કે ઓટમમાં કરાયેલા અંધકારમય અંદાજો પછી પણ કોઈ મંદી આવે તેમ નથી. અમે યોજનાને અનુસરી રહ્યા છીએ અને તે યોજના કામ કરી રહી છે. એનર્જીના ભાવની ગેરંટી જુલાઈ સુધી £2,500 રહેશે અને તે વધીને £3,000 સુધી પહોંચવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પગલાથી સરેરાશ પરિવારને £160ની બચત થશે. લેઝર સેન્ટરો અને પૂલને એનર્જી બીલ પરવડી શકે તે માટે £63 મિલીયનના ફંડની જાહેરાત કરાઇ છે. જ્યારે વધતા ખર્ચનો સામનો કરતી ચેરીટી સંસ્થાઓ માટે £100 મિલિયનના વધારાની જાહેરાત કરાઇ છે.’’
હન્ટે જણાવ્યું હતું કે ‘’આગામી વર્ષે 1.8%, 2025માં 2.5% અને 2026 માં 2.1% વૃદ્ધિ થશે. સરકારની વર્તમાન બજેટ ખાધ – રોજબરોજના ખર્ચ બાદ કરવેરા આવક – સરપ્લસમાં હશે . જાહેર ક્ષેત્રનું ચોખ્ખું દેવું અગાઉ 2025-26માં જીડીપીના 97.6%ની ટોચે રહેવાની ધારણા હતી, જે બે વર્ષ પછી ઘટીને 97.3% થઈ જશે. વેસ્ટ મિડલેન્ડ્સ, ગ્રેટર માન્ચેસ્ટર, લિવરપૂલ અને ટીસાઈડ સહિતના વિસ્તારો સહિત દેશભરમાં વિકાસ કરવા સરકાર કેનેરી વૉર્ફ જેવા એક ડઝન નવા ઇન્વેસ્ટમેન્ટ ઝોન બનાવશે. જે માટે સફળ અરજદારોને £80 મિલિયનનો ટેકો આપવામાં આવશે અને કેટલાક સ્થાનિક કરને જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવશે.’’
શ્રી હન્ટે રેડકાર અને ક્લેવલેન્ડ અને રોશડેલ સહિતના વિસ્તારોમાં “ભાગીદારીનું સ્તર વધારવા” માટે વધારાના £400 મિલિયન આપવાની જાહેરાત કરી છે. તો વેસ્ટ મિડલેન્ડ્સ અને ગ્રેટર માન્ચેસ્ટરને નવા મલ્ટિ-યર ડિવોલ્યુશન ફંડિંગ ડીલ મળશે અને બિઝનેસ રેટ જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવશે. આ બજેટમાં કાર્બન કેપ્ચર અને સ્ટોરેજમાં £20 બિલિયનના રોકાણની જાહેરાત કરી છે. જે માટે મર્સીસાઇડ અને વેલ્સ સહિતના વિસ્તારોમાં પ્રોજેક્ટ્સ શરૂ થશે.
સૌપ્રથમ સુનકે જાહેરાત કરી હતી તે પ્રમાણે એપ્રિલમાં 19%થી 25% સુધીના કોર્પોરેશન ટેક્સમાં આયોજિત વધારા સાથે આગળ વધવાની અને “સંપૂર્ણ મૂડી ખર્ચ”ની નવી £9 બિલિયનની નીતિની જાહેરાત કરી હતી. જે શરૂઆતમાં આગામી ત્રણ વર્ષ માટે, જે તે કંપનીઓને તેમના કરવેરા બિલો સામે તમામ રોકાણને રાઈટ ઓફ કરવાની મંજૂરી આપે છે. OBR માને છે કે આનાથી દર વર્ષે બિઝનેસ ટેક્સમાં 3% વધારો થશે.
બજેટમાં એક નવા ડ્રગ રેગ્યુલેટરની રચના કરવાની જાહેરાત કરાઇ હતી જે યુએસ, યુરોપ અને જાપાન જેવા વિશ્વના અન્ય ભાગોમા વિશ્વસનીય રેગ્યુલેટર્સ દ્વારા પહેલેથી જ મંજૂર કરાયેલ દવાઓ અને ટેકનીકો માટે ઝડપી, ઘણીવાર ઓટોમેટિક મંજૂરી આપશે. AI માં સૌથી નવીન સંશોધન માટે આગામી 10 વર્ષ માટે વાર્ષિક £1 મિલિયનનું ઇનામ ઓફર કરશે.
નવ મહિનાથી ત્રણ વર્ષની વયના બાળકોના માતા-પિતાને ટર્મ ટાઈમમાં અઠવાડિયામાં 30 કલાક મફત ચાઈલ્ડકેર ઓફર કરવામાં આવશે. આ ફેરફાર તબક્કાવાર, સપ્ટેમ્બર 2025 સુધીમાં કરાશે. જેનાથી 11 મિલિયન વધુ મહિલાઓ કામ પર જઈ શકે છે. સ્થાનિક સત્તાવાળાઓને સવારે 8થી સાંજના 6 વાગ્યા સુધીની રેપરાઉન્ડ કેર માટે વધુ ભંડોળ આપવામાં આવશે. મફત નર્સરી સ્થાનો માટેના ભંડોળમાં સપ્ટેમ્બરથી £204 મિલિયન અને આવતા વર્ષે £280 મિલિયનનો વધારો કરશે જે સરેરાશ 30%નો વધારો છે.
વિકલાંગ લોકો માટેની નવી સ્વૈચ્છિક રોજગાર યોજના અંતર્ગત 50,000 જેટલા લોકોને £4,000ના મૂલ્યની યુનિવર્સલ ક્રેડિટ અપાશે. સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા કામદારોને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે વધુ સમર્થન ઉપલબ્ધ કરાવવા £400 મિલિયનની યોજના શરૂ કરાશે.
50થી વધુ વયના લોકો કામ પર પરત ફરે અને પોતાના અનુભવનો લાભ આપે તે માટે નવી એપ્રેન્ટિસશીપ જેવી યોજના શરૂ કરાશે. જેને “રીટર્નરશીપ” કહેવાશે. કરમુક્ત પેન્શન યોગદાનની વાર્ષિક મર્યાદા £40,000 થી £60,000 સુધીની કરાઇ છે અને આજીવન મર્યાદા નાબૂદ કરાશે.
બજેટના મુખ્ય મુદ્દાઓ
• વેલ્ફેર રીફોર્મ્સ હેઠળ સર્જરીના દર્દીઓ સહિત 650,000 લોકો આધાર ગુમાવી શકે છે
• વરિષ્ઠ ટોરી નેતાઓ વૃદ્ધિને વેગ આપવા માટે કોર્પોરેશન ટેક્સમાં વધારો કરવા પર પુનઃવિચાર કરવા માટે કહ્યું છે
• સંરક્ષણ ખર્ચ જીડીપીના લગભગ 2.25 ટકા સુધી વધશે.
• આલ્કોહોલ ડ્યુટી ફ્રીઝ 1 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે અને બીયરના પાઇન્ટ સસ્તા થશે – પબમાં ડ્રાફ્ટ પ્રોડક્ટ્સ પરની ડ્યુટી સુપરમાર્કેટ કરતા 11p ઓછી છે.
• આગામી 12 મહિના માટે ફ્યુઅલ ડ્યુટી સ્થિર કરાશે.
• પોથોલ્સ ફંડમાં £200 મિલિયનનો વધીરો કરાયો છે.
· પબમાં વેચાતા બિયર, સાઇડર અને વાઇન માટે નવી રાહતો સાથે ઑગસ્ટથી ફુગાવાને અનુરૂપ દારૂ પર ટેક્સ વધશે
• તમાકુ પરનો ટેક્સ મોંઘવારીના દરે 2% અને હેન્ડ-રોલિંગ તમાકુ માટેનો દર 6% ઉપર વધશે.
• કાર્બન કેપ્ચર અને સ્ટોરેજ પર ફોકસ સાથે, લો-કાર્બન એનર્જી પ્રોજેક્ટ્સ પર આગામી બે દાયકામાં £20 બિલિયનનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા જાહેર કરાઇ છે.