હિન્દુસ્તાન ઝિન્કે તેના શેરહોલ્ડર્સને 1.3 બિલિયન ડોલર (રૂ.109.9 બિલિયન)નું ડિવિડન્ડ જાહેર કર્યું હોવાથી બિલિયોનેર અનિલ અગ્રવાલને માલિક કંપનીના દેવાની ચુકવણી કરવામાં મદદ મળશે. હિન્દુસ્તાન ઝિન્કે આ વર્ષે આ ચોથું ડિવિડન્ડ જાહેર કર્યું હતું.
મંગળવારે શેરબજારને આપેલી માહિતી મુજબ રાજસ્થાન સ્થિત આ માઇનિંગ કંપની શેરદીઠ રૂ.26નું જંગી વચગાળાનું ડિવિડન્ડ ચુકવશે. આ ડિવિડન્ડની મુખ્ય લાભાર્થી અનિલ અગ્રવાલની વેદાંત લિમિટેડ છે. વેદાંત હાલમાં હિન્દુસ્તાન ઝિન્કમાં આશરે 65 ટકા ઇક્વિટી હિસ્સો ધરાવે છે, જ્યારે ભારત સરકાર પાસે આ કંપનીનો આશરે 30 ટકા હિસ્સો છે. લંડન સ્થિત વેદાંત રિસોર્સિસ અંતિમ હોલ્ડિંગ કંપની છે.
બ્લૂમબર્ગના ડેટા મુજબ હિન્દુસ્તાન ઝિન્કે આ વર્ષે કુલ રૂ.319.13 બિલિયન ડિવિડન્ડ જાહેર કર્યું છે. હિન્દુસ્તાન ઝિન્કે અગાઉના નાણાકીય વર્ષમાં માત્ર એક ડિવિડન્ડ જાહેર કર્યું હતું. ભારતની કંપનીઓ સામાન્ય રીતે બે વખત ડિવિડન્ડ ચુકવતી હોય છે. વધારાના ડિવિડન્ડથી અનિલ અગ્રવાલને થોડી રાહત મળશે. અગાઉ ભારત સરકારે ગ્રૂપનો ઇન્ટરનેશનલ બિઝનેઝ આશરે 3 બિલિયન ડોલરમાં હિન્દુસ્તાન ઝિન્કને વેચવાની યોજનાનો વિરોધ કર્યો હતો.