ઈન્ટરપોલે ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી સામે રેડ કોર્નર નોટિસ હટાવ્યા પછી તેજસ્વી પ્રસાદ યાદવે વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું હતું કે દેશમાં હાલના સંજોગોમાં માત્ર એક ગુજરાતી જ ઠગ બની શકે છે અને તેમને માફ પણ કરી શકાય છે. તેજસ્વીએ મંગળવારે બિહાર વિધાનસભાની બહાર મીડિયા સાથે વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
કેન્દ્રીય એજન્સીઓને હાઇજેક કરવા અને લોકશાહીને જોખમમાં મૂકવા બદલ તેમણે કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીની પણ ટીકા કરી હતી.
તેજસ્વીએ જણાવ્યું હતું કે દેશના આજના સંજોગોમાં માત્ર એક ગુજરાતી જ ઠગ બની શકે છે અને તેમને માફ પણ કરવામાં આવશે. એલઆઈસી કે બેંકના પૈસા લઈને કોઈ ભાગી જાય તો જવાબદારી કોણ લેશે? ભાજપ પોતે જ આ પૈસા લઈને ભાગી જાય તો શું થશે? ભાજપના કેટલાક મિત્રો ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે, પરંતુ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની સ્થિતિ પાંજરામાં પુરાયેલ પોપટ જેવી છે.
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જેમ તેજસ્વીને પણ સીબીઆઈ કસ્ટડીમાં લેશે તેવી ભાજપના લોકો આગાહી કરી રહ્યાં છે ત્યારે તમને ડર લાગે છે કે નહીં તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે “સત્યને કોઈ ડર નથી. તેનાથી શું ફરક પડશે? પણ શું હવે ભાજપના લોકો આ રીતે નિર્ણય લેશે? શું દેશમાં સરમુખત્યારશાહી છે? અમે લાંબા સમયથી કહી રહ્યા છીએ કે તમામ કેન્દ્રીય એજન્સીઓ પર ભાજપનું નિયંત્રણ છે અને તેને લોકશાહીને જોખમમાં મૂકી દીધી છે.
તેમણે વધુમાં કહ્યું કે સીએમ નીતીશ કુમાર કે તેમની પોતાની કોઈ અંગત મહત્ત્વકાંક્ષા ન નથી અને બંને એક મોટા હેતુ માટે લડવા એકજૂથ થયા હતા. ભાજપની વારંવારની જંગલરાજની ટિપ્પણી પર પ્રહાર કરતા તેજસ્વીએ જણાવ્યું હતું જુઓ કે તેઓ કેવી રીતે વર્તે છે. તેઓ માઈક તોડે છે અને લાકડીઓ લઈને ફરે છે તથા વિધાનસભામાં જંગલરાજ લાવવા માંગે છે, પરંતુ અમે લોકશાહીના મંદિરમાં આવું નહીં થવા દઈએ.