Nepal put Amritpal Singh on surveillance list
(ANI Photo)

યુકેના પાટનગર લંડનમાં ખાલિસ્તાનના સમર્થકોએ રવિવારે (19 માર્ચ) ભારતીય હાઈ કમિશનના બિલ્ડીંગ ઉપરથી ભારતનો રાષ્ટ્રધ્વજ ઉતારી તેની જગ્યાએ ખાલિસ્તાનનો ધ્વજ ફરકાવ્યો હતો તેમજ હાઈ કમિશનના બિલ્ડીંગના બારી દરવાજામાં તોડફોડ કરી હતી, તો રવિવારે જ અમેરિકામાં પણ સાન ફ્રાન્સિસ્કોમાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય કોન્સ્યુલેટના પ્રાંગણમાં ઘૂસી જઈ બિલ્ડીંગની દિવાલો ઉપર “ફ્રી અમૃતપાલ” (અમૃતપાલને છોડી મુકો) ના સૂત્રોના ચિતરામણ કર્યા હતા તેમજ તેઓ બહાર જે ખાલિસ્તાની ધ્વજ લઈને દેખાવો કરતા હતા, તેના દંડાઓ વડે કોન્સ્યુલેટ ઓફિસના બારી – દરવાજાના કાચ તોડી નાખ્યા હતા.

ખાલિસ્તાનીઓના આવા ભાંગફોડના કૃત્યો કેટલાય વિડિયોમાં લાઈવ રેકોર્ડ થયા હતા. તેમના આ તોફાનોના બેકગ્રાઉન્ડમાં જોરશોરથી પંજાબી મ્યુઝિક વાગતું પણ સંભળાતું હતું.તો ઓસ્ટ્રેલિયાના પાટનગર કેનબેરામાં ખાલિસ્તાનીઓએ ઓસ્ટ્રેલિયાના સંસદ ભવનની બહાર એકત્ર થઈ ભારતના પંજાબમાં અમૃત પાલ અને તેના સાથીઓ ઉપરની પોલીસની તવાઈના વિરોધમાં દેખાવો કર્યા હતા.

લંડનમાં ભારતીય હાઈ કમિશનના બિલ્ડીંગ ઉપર ભારતીય સત્તાવાળાઓએ અગાઉ કરતાં વધુ મોટો તિરંગો લહેરાવી એક પ્રકારે ખાલિસ્તાનીઓને જવાબ આપ્યો હતો, તો દિલ્હીમાં યુકેના હાઈકમિશનરને ભારતીય વિદેશ મંત્રાલયની કચેરીમાં સોમવારે બોલાવી લંડનમાં ભારતીય હાઈ કમિશનની સુરક્ષા વ્યવસ્થામાં આટલી મોટી બેદરકારી મુદ્દે ઉગ્ર રજૂઆત કરાઈ હતી.

ભારતમાં, ખાસ કરીને પંજાબમાં અમૃત પાલ સિંઘની ગતિવિધિઓ નોંધપાત્ર રીતે વધી જવાના પગલે ગયા સપ્તાહે અચાનક પંજાબ પોલીસે અમૃત પાલની ધરપકડ માટે ધોંસ વધાર્યા પછી અમૃત પાલ અને તેના સમર્થકો નાસી ગયા છે અને હવે તે ભારતમાં હોવા વિષે પણ શંકા દર્શાવાઈ રહી છે. તેના ઉપર ભીંસ વધતાં તેના અને ખાલિસ્તાનના સમર્થકોએ ભારતમાં તેમજ વિદેશોમાં, ખાસ કરીને યુકે, અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ઉધામા શરૂ કર્યા છે. ભારત અને પંજાબ સરકારને જો કે, આની પાછળ પાકિસ્તાન અને તેની નામચીન ભાંગફોડિયા જાસૂસી સંસ્થા આઈએસઆઈનો હાથ હોવાની પણ પ્રબળ આશંકા છે.

LEAVE A REPLY