Australia beat India in the third ODI to win the series 2-1
ચેન્નાઈના M. A. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી વનડેમાં વિજય પછી 2-1થી શ્રેણી જીત્યા પછી ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ ટ્રોફી સાથે ઉજવણી કરી હતી. (PTI Photo/R Senthil Kumar)

ભારતના પ્રવાસે ગયેલી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે બોર્ડર – ગાવસ્કર ટેસ્ટ મેચ સીરીઝની ટ્રોફી ગુમાવ્યા પછી ત્રણ વન-ડેની સીરીઝની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં ગયા સપ્તાહે બુધવારે ચેન્નાઈ ખાતે ભારતને 21 રને હરાવી વન-ડે તેમજ ત્રણ વન-ડેની સીરીઝ પણ 2-1થી જીતી લીધી હતી. આ સીરીઝ ગુમાવતાં ભારતનું વન-ડે ઈન્ટરનેશનલ્સમાં ટોચનું સ્થાન ઓસ્ટ્રેલિયાએ આંચકી લીધું હતું, તો ઘરઆંગણે સળંગ ચાર વર્ષથી સીરીઝ નહીં ગુમાવવાનો ભારતનો રેકોર્ડ પણ ઓસ્ટ્રેલિયાએ તોડ્યો હતો. 

પહેલા બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયા 49 ઓવરમાં 269 રન કરી ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત માટે આ ટાર્ગેટ ખાસ કપરો તો નહોતો, પણ તેના બેટ્સમેને ફરી ધબડકો વાળતા ટીમ 49.1 ઓવરમાં 248 રન સુધી જ પહોંચી શકી હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાનો 21 રને વિજય થયો હતો. 22મી માર્ચની આ મેચમાં વિરાટ કોહલીએ સૌથી વધુ 54 રન કર્યા હતા, તો હાર્દિક પંડ્યાએ 40, શુભમન ગિલે 37, કે. એલ. રાહુલે 32 અને રોહિત શર્માએ 30 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાનો સ્પિનર એડમ ઝામ્પા 10 ઓવરમાં 45 રન આપી ચાર વિકેટ સાથે સૌથી સફળ રહ્યો હતો, તો એસ્ટોન અગરે 2 અને સ્ટોઈનિસ તથા સીન એબોટે 1-1 વિકેટ લીધી હતી. ઝામ્પાને પ્લેયર ઓફ ધી મેચ તથા મિચેલ સ્ટાર્કને પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયો હતો. 

ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે 33, મિચેલ માર્શે 47 તથા એલેક્સ કેરીએ 38 રન કર્યા હતા, તો ભારત તરફથી હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે 3-3 તથા મોહમદ સિરાજ અને અક્ષર પટેલે 2-2 વિકેટ ખેરવી હતી. અગાઉ, પ્રથમ વન-ડેમાં ભારતનો પાંચ વિકેટે અને એ પછી બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાનો 10 વિકેટે વિજય થયો હતો. 

LEAVE A REPLY