કાયદા પ્રધાન કિરણ રિજિજુએ દાવો કર્યો હતો કે ભારત વિરોધી ગેંગના હિસ્સો છે તેવા કેટલાંક નિવૃત્ત ન્યાયાધીશો અને કેટલાક કાર્યકરો ભારતીય ન્યાયતંત્રને વિરોધ પક્ષની ભૂમિકામાં લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. કોલેજિયમ સિસ્ટમને ટીકા કરતાં તેમણે તેને કોંગ્રેસ પાર્ટીનું દુઃસાહસ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારત અને ભારતની બહાર દેશ વિરોધી પરિબળો સમાન ભાષાનો ઉપયોગ કરે છે. તેઓ કહે છે કે લોકશાહી ખતરામાં છે અને ભારતમાં માનવાધિકારો નથી. ભારત વિરોધી ગેંગ કહે છે તેવી જ ભાષા રાહુલ ગાંધી પણ ઉપયોગ કરે છે.
વિવિધ સંસ્થાઓ વચ્ચેની બંધારણીય “લક્ષ્મણ રેખા”નો ઉલ્લેખ કરતાં રિજિજુએ સવાલ કર્યો હતો કે જો વહીવટી નિમણુકમાં જજો ભાગીદાર બનશે તો ન્યાયિક કાર્ય કોણ કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની પસંદગી માટે વડાપ્રધાન, ચીફ જસ્ટિસ અને વિપક્ષના નેતાની સમિતિ બનાવવાના સુપ્રીમ કોર્ટના આદેશ અંગેના સવાલના જવાબમાં આ સામો સવાલ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી કમિશનરોની નિમણૂક બંધારણમાં નિર્ધારિત છે. સંસદે કાયદો બનાવવો પડશે. તે મુજબ નિમણૂક થશે. ન્યાયતંત્ર સાથે સરકારના સંબંધો પરના પ્રશ્નોના જવાબમાં રિજિજુએ કહ્યું કે તેમના સંબંધોનું વર્ણન કરવા માટે “સંઘર્ષ” શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે નહીં.