ન્યાયાધીશોની નિમણૂકને મુદ્દે ન્યાયતંત્ર અને સરકાર વચ્ચેનો વિવાદ વધુ વકર્યો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડે શનિવારે જણાવ્યું હતું કે કોઇપણ સિસ્ટમ સંપૂર્ણપણે શ્રેષ્ઠ હોતી નથી, પરંતુ વર્તમાન ન્યાયતંત્ર દ્વારા તેની સ્વતંત્રતા જાળવી રાખવા માટે વિકસિત કરાયેલી હાલની કોલેજિયમ સિસ્ટમ “શ્રેષ્ઠ” પદ્ધતિ છે. એક ન્યૂઝ ટીવીના કાર્યક્રમમાં કાયદા પ્રધાન કિરેન રિજિજુએ જજોની પસંદગી પ્રક્રિયાની ટીકા કર્યાના થોડા કલાકો પછી આ મંચ પરથી બોલતી વખતે જસ્ટિસ ચંદ્રચુડે કોલેજિયમ પદ્ધતિનો મજબૂત બચાવ કર્યો હતો.
રિજિજુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બંધારણ મુજબ ન્યાયાધીશોની નિમણૂક કરવી તે સરકારની ફરજ છે. ન્યાયાધીશોની નિમણૂક એ ન્યાયિક કાર્ય નથી, પરંતુ “સંપૂર્ણપણે વહીવટી પ્રક્રિયા” છે.
જસ્ટિસ ચંદ્રચુડના પુરોગામી જસ્ટિસ યુયુ લલિતે પણ કોલેજિયમ સિસ્ટમને ટેકો આપતા કહ્યું હતું કે તે “આદર્શ પ્રણાલી” છે જ્યારે અન્ય ભૂતપૂર્વ CJI એસ એ બોબડે ન્યાયતંત્રની પ્રાધાન્યતાની તરફેણ કરી હતી, પરંતુ સરકારનો અભિપ્રાય મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. આ જ કાર્યક્રમમાં બે ભૂતપૂર્વ CJIએ પણ સંબોધન કર્યું હતું.
જોકે કોલેજિયમ સિસ્ટમ પર સવાલો ઊભા કરતા રિજિજુએ કહ્યું હતું કે આ કોંગ્રેસ પાર્ટીના “દુ:સાહસ”નું પરિણામ છે. જજોની નિમણૂંકની પ્રક્રિયા શરુ કરવી અને તેને આખરી ઓપ આપવા જેવા કાર્યોમાં ન્યાયતંત્રની કોઇ ભૂમિકા નથી. જોકે પછીથી કોંગ્રેસ પાર્ટીના દુઃસાહસને કારણે સુપ્રીમ કોર્ટે આવી શરૂઆત કરી હતી. નવી સિસ્ટમ અમલી ન બને ત્યાં સુધી કોલેજિયમ સિસ્ટમનું અમે પાલન કરીશું, પરંતુ જજોની નિમણૂક ન્યાયિક આદેશથી થઈ શકે નહીં. તે સંપૂર્ણપણે વહીવટીકાર્ય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોલેજિયમે ભલામણ કરેલા નામોનું મૂલ્યાંકન કરવાની ફરજ સરકારની છે. જો આવું ન હોય તો હું માત્ર એક પોસ્ટ માસ્તર છું.