ભારતીય મેન્સ હોકી ટીમે ઓસ્ટ્રેલિયા સામે ગયા સપ્તાહે સળંગ બીજો વિજય હાંસલ કર્યો હતો. ભારતે રાબેતા મુજબના સમયમાં મેચમાં બે વખત લીડ લીધી હતી, અને બન્ને વખત ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ ગેમ બરાબરીમાં લાવી દીધી હતી. એ પછી પેનાલ્ટી શૂટાઉટમાં ભારતીય ગોલકીપર શ્રીજેશે રંગ રાખતા ઓસ્ટ્રેલિયાનો આખરે 4-3થી પરાજય થયો હતો. પ્રો લીગ હોકીમાં ચારેય મેચમાં ભારતે અજેય રહી 11 પોઈન્ટ હાંસલ કર્યા છે.
રુરકેલામાં રમાયેલી મેચમાં વિવેક પ્રસાદ અને સુખજીતે ભારતને બે વખત લીડ અપાવી હતી અને એફરામુસે બંને વખત ઓસ્ટ્રેલિયાને બરાબરીમાં લાવી દીધી હતી. પેનલ્ટી શૂટઆઉટમાં એક તબક્કે ઓસ્ટ્રેલિયાએ ૨-૩થી લીડ મેળવી હતી. જોકે ભારતે વળતો પ્રહાર કરતાં ૩-૩થી બરોબરી મેળવી હતી. આખરે સડન ડેથની પહેલી જ પેનલ્ટી ભારત માટે વિજયી બની હતી. આ અગાઉ, ભારત ઓસ્ટ્રેલિયા સામે ૫-૪થી તેમજ જર્મની સામે ૩-૨ અને ૬-૩થી જીત્યું હતુ.