હાલમાં મોટા વિવાદનો સામનો કરી રહેલા ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીની હીરાના વેપારીની પુત્રી દીવા જયમીન શાહ સાથે એક સાદગીપૂર્ણ સમારોહમાં ૧૨ માર્ચે અમદાવાદમાં સગાઈ કરાઈ હતી. ગૌતમ અદાણીની ભાવિ પુત્રવધુ હીરાના વેપારી જયમીન શાહની પુત્રી છે. શાહ ડાયમંડ કંપની સી દિનેશ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડના માલિક છે. તેએ મુંબઇ અને સુરતમાં બિઝનેસ ધરાવે છે. જીત અદાણી, અદાણી જૂથના વાઇસ પ્રેસિડેન્ટ ફાઇનાન્સનો હોદ્દો સંભાળે છે. જીત અને દીવાની સગાઇની તસવીરો ઇન્ટરનેટમાં ચર્ચાનો વિષય બની હતી. જીત અને દીવાનાં લગ્ન ક્યારે થશે તેની હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી
ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણનાં લગ્ન પરિધી સાથે થયા છે. પરિધી જાણીતા એડવોકેટ સિરીલ શ્રોફની પુત્રી છે. પરિધી પોતે પણ એડવોકેટ છે. જીતે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઇડ સાયન્સિસમાંથી અભ્યાસ પૂરો કર્યો હતો. તેમણે ૨૦૧૯માં પિતા સાથે અદાણી જૂથમાં કામ શરૂ કર્યું હતું. અદાણી જૂથની વેબસાઇટ અનુસાર જીત સ્ટ્રેટેજિક ફાઇનાન્સ, કેપિટલ માર્કેટ્સ અને સરકારી પોલિસીનું કામ સંભાળે છે. અદાણી એરપોર્ટ્સ અને અદાણી ડિજિટલ લેબ્સનું નેતૃત્વ પણ જીત અદાણી પાસે છે.