India tops world in arms imports
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

નરેન્દ્ર મોદી સરકાર સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાના પ્રયાસ કરી રહી હોવા છતાં શસ્ત્રોની આયાત કરવામાં ભારત વિશ્વના ટોચના ક્રમે રહ્યું હોવાનો એક રીપોર્ટમાં દાવો કરાયો છે. સ્ટોકહોમ સ્થિત ડિફેન્સ થિંક ટેન્ક ધ સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (SIPRI)ના એક અહેવાલમાં જણાવાયું છે કે 2018-22 દરમિયાન શસ્ત્રોની આયાત કરનારા વિશ્વના ટોચના પાંચ દેશોમાં ભારત, સાઉદી અરેબિયા, કતાર, ઓસ્ટ્રેલિયા અને ચીનનો સમાવેશ થાય છે. જ્યારે શસ્રોની નિકાસ કરતાં વિશ્વના ટોચના પાંચ દેશોમાં અમેરિકા, રશિયા, ફ્રાંસ, ચીન અને જર્મનીનો સમાવેશ થાય છે.  શસ્ત્રોની આયાતના મામલે પાકિસ્તાન વિશ્વમાં આઠમાં ક્રમે છે.

રીપોર્ટ મુજબ 2013-17 અને 2018-22 દરમિયાન ભારતની શસ્ત્રોની આયાતમાં 11 ટકાનો ઘટાડો થયો હોવાનું આ ઘટાડા માટે શસ્ત્ર ખરીદીની જટિલ પ્રક્રિયા, શસ્રોના પુરવઠામાં વૈવિધ્યતા લાવવાના પ્રયાસો ઉપરાંત આયાતી શસ્ત્રોને સ્થાને સ્થાનિક શસ્ત્રોના ઉપયોગને પ્રોત્સાહન આપવા જેવા કારણો જવાબદાર છે.  2018-22 દરમિયાન પાકિસ્તાનની શસ્ત્રોની આયાતમાં 14 ટકાનો વધારો થયો હતો. પાકિસ્તાન મુખ્યત્વે ચીનમાંથી શસ્ત્રોની આયાત કરે છે તેમ અહેવાલમાં જણાવાયું છે. 2013-17 અને 2018-22 દરમિયાન ફ્રાંસની શસ્ત્રોની નિકાસમાં 44 ટકાનો જંગી વધારો નોંધાયો હતો. 2018-22 દરમિયાન ફ્રાંસ દ્વારા નિકાસ કરાયેલા કુલ શસ્ત્રો પૈકી 30 ટકા ભારતમાં નિકાસ કરાયા હતાં. આ સાથે જ ફ્રાંસે ભારતને શસ્ત્રોની નિકાસ કરનારા દેશોમાં અમેરિકાને પાછળ છોડી બીજું  સ્થાન હાંસલ કર્યું છે.

LEAVE A REPLY