શક્તિપીઠ અંબાણી મંદિરમાં પ્રસાદ તરીકે મોહનથાળ અને ચિક્કીના મુદ્દે વિવાદ ચાલે છે ત્યારે અંબાણી વહીવટીતંત્ર અને સરકાર વચ્ચે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં નિર્ણય કરાયો હતો અને હવે મોહનથાળ અને ચિક્કી બંનેનો પ્રસાદ ચાલુ રહેશે. અંબાજીમાં પ્રસાદનો મામલો વધુ વકરતો જોઈને સરકારે તાત્કાલિક બેઠક બોલાવી હતી. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલની એક બેઠક મળી હતી. આ બેઠકમાં અંબાજી મંદિરના બટુક મહારાજ અને સંત શિરોમણી પણ હાજર રહ્યાં હતાં.
શક્તિપીઠ અંબાજી મંદિરે પ્રસાદમાં મોહનથાળને બદલે ચિક્કીનું વિતરણ કરવાના નિર્ણયની વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને હિંદુ હિતરક્ષક સમિતિ સહિતના ભક્તો અને હિંદુ સંગઠનો વિરોધ કરતાં મોટો વિવાદ થયો હતો. ચાર માર્ચે મંદિર વહીવટીતંત્રે જાહેરાત કરી હતી કે પ્રસાદ તરીકે પરંપરાત મોહનથાળની જગ્યાએ ચિક્કી આપવામાં આવશે. તેનો ભક્તો અને હિન્દુ હિતરક્ષક સમિતિએ ભારે વિરોધ કર્યો હતો અને નિર્ણય પાછો ખેંચી લેવાના અનુરોધ કર્યો હતો. આ નિર્ણયનો ભારે વિરોધ થયો હતો અને આક્રોશ ફેલાયો હતો.
11 માર્ચના રોજ ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે શક્તિપીઠ અંબાજી મંદિર પ્રશાસનના પ્રસાદ બદલવાના નિર્ણયને ટેકો આપ્યો હતો. આરોગ્ય પ્રધાને કહ્યું, “લોકો મોહનથાળ પ્રસાદ હોવા છતાં લેતા નથી કારણ કે તેઓ માને છે કે અગિયારસ અથવા પૂનમ (પૂર્ણિમા) જેવા શુભ દિવસોમાં ઉપવાસ દરમિયાન મોહનથાલ ખાઈ શકાતો નથી. આ કારણે મંદિર પ્રશાસને તેના બદલે ચિક્કીનો પ્રસાદ આપવાનો નિર્ણય લીધો છે.”
શુક્રવારે ગુજરાત રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસના નેતાઓએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને પ્રતિકાત્મક વિરોધ તરીકે વિધાનસભામાં મોહનથાળ લાવ્યા હતા. તેનાથી કોંગ્રેસના ઘણા ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કર્યા હતા.
સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, ઘણા બધા ધાર્મિક સ્થળો પર મોહનથાળનો પ્રસાદ પસંદ કરવામાં આવે છે. મંદિરમાં મોહનથાળ અને ચીક્કી બંને પ્રસાદ મળે તેવી વ્યવસ્થા રાખીશું. ચિક્કી બનાવનાર કંપનીને કામ આપવાનો રાજ્ય સરકારનો વિષય નથી. મંદિરમાં દર વર્ષે મોહનથાળનો કોન્ટ્રાક્ટ રીન્યુ થાય છે. આ અંગે મંદિરના પૂજારી ભટ્ટજીએ કહ્યું હતું કે, માતાજીના રાજભોગના રસોડામાં જે પ્રસાદ થાય છે તે ચાલુ રાખવામાં આવ્યો છે. યાત્રાળુઓની ફરિયાદને કારણે આ નિર્ણય લેવાયો હતો.પણ હવે બેઠક પછી નિર્ણય લેવાયો છે કે મોહનથાળ ચાલુ રાખવામાં આવશે અને તેની ક્વોલિટી પણ સુધારવામાં આવશે. સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, પ્રસાદ અંગે મુખ્યપ્રધાન હાજરીમાં ચર્ચા થઈ હતી.