ખેડૂતો માટે આશીર્વાદરૂપ એવી પ્રાકૃતિક ખેતી વધુને વધુ ખેડૂતો અપનાવી રહ્યા છે. ગુજરાતમાં ૩,૬૫,૦૦૦ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. ૪,૦૯,૦૦૦ એકર ભૂમિ પર હવે પ્રાકૃતિક ખેતી થાય છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરમાં શનિવારે કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રાકૃતિક કૃષિ સંદર્ભે સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવતી, પશુઓના સંવર્ધન, પર્યાવરણના જતન અને સ્વાસ્થ્ય માટે અનિવાર્ય એવી પ્રાકૃતિક ખેતી વિશે વધુને વધુ ખેડૂતો માહિતીગાર થાય અને પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે આયોજનબદ્ધ પગલાં લેવાઈ રહ્યા છે. એટલું જ નહીં, પ્રાકૃતિક ખેત પેદાશોના સુવ્યવસ્થિત માર્કેટિંગ માટે પણ વ્યવસ્થા તંત્ર ગોઠવાઈ રહ્યું છે. આ બંને બાબતોને એક સરખી અગ્રતા આપીને કૃષિ વિભાગ અને પ્રાકૃતિક કૃષિ-આત્મા દ્વારા ઝુંબેશની જેમ કામ થઈ રહ્યું છે.
રાજ્યપાલે બેઠકમાં કહ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી માનવના સ્વાસ્થ્ય સામે ગંભીર પડકારો ઉભા થયા છે. જમીનની ફળદ્રુપતા ઓછી થઈ રહી છે. સંશોધનો તો ત્યાં સુધી કહે છે કે મા ના દૂધમાં પણ પેસ્ટીસાઈડ્સના અંશો જોવા મળ્યા છે. આ તમામ તકલીફોનો ઉકેલ ગૌમૂત્ર અને ગોબરના ઉપયોગથી થતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ જ છે. આ પુણ્ય કર્મ છે, માનવતાનું કામ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના દરેક ગામમાં ઓછામાં ઓછા ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એવી અપીલ કરી છે.
ગુજરાતમાં ૧૧,૧૪,૦૦૦ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની તાલીમ આપવામાં આવી છે. કૃષિ વિભાગના અને અન્ય ફિલ્ડ અધિકારીઓ સહિત ૨,૪૬૭ અધિકારીઓને પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવામાં આવી છે. રાજ્યની ૧૪,૪૫૫ ગ્રામ પંચાયતોના વિસ્તારમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. ૧,૨૨૯ ગ્રામ પંચાયતો એવી છે જ્યાં ૭૫ થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.