લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એક વ્યાખ્યાન દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે ભારતની લોકશાહી પર હુમલા થઈ રહ્યાં છે અને તેમના સહિત ઘણા રાજકીય નેતાઓની જાસૂસી થઈ રહી છે. કોંગ્રેસ નેતાના આક્ષેપોની ભાજપે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. ભાજપે ચૂંટણીમાં ઉપરાછાપરી હાર પછી વિદેશની ધરતી પર દેશની છબી ખરડવાનો રાહુલ ગાંધી પણ આક્ષેપ કર્યો હતો.
રાહુલ ગાંધીએ મંગળવારે સાંજે કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલમાં વિઝિટિંગ ફેલો તરીકે ‘લર્નિંગ ટુ લિસન ઇન 21 સેન્ચ્યુરી’ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું, જેનું વીડિયો રેકોર્ડિંગ કોંગ્રેસ નેતા સેમ પિત્રોડાએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું.
વિવાદાસ્પદ પેગાસસ જાસૂસી મુદ્દાનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો હતો કે તેમના સહિત મોટી સંખ્યામાં રાજકીય નેતાઓના ફોનમાં ઇઝરાયેલી સ્પાયવેર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. મારા પોતાના ફોનમાં પેગાસસ હતું. મોટી સંખ્યામાં રાજકારણીઓના ફોનમાં પેગાસસ છે. મને ગુપ્તચર અધિકારીઓએ સૂચના આપી હતી કે મહેરબાની કરીને તમે ફોન પર શું કહો છો તેની કાળજી રાખો, કારણ કે અમે આ સામગ્રીને રેકોર્ડ કરી રહ્યા છીએ. આ અમારા પરનું અવિરત દબાણ છે.
ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખે ભારતીય લોકશાહી પરના કથિત હુમલાના પાંચ મુખ્ય પાસાઓની યાદી આપી હતી. તેમાં મીડિયા અને ન્યાયતંત્ર પર કબજો અને નિયંત્રણ, સર્વેલન્સ અને ધાકધમકી; તપાસ એજન્સીઓની બળજબરી, લઘુમતીઓ, દલિતો અને આદિવાસીઓ પર હુમલા અને વિરોધી અવાજને દબાવી દેવો વગેરનો સમાવેશ થાય છે.
વિદેશી ધરતી પર દેશની છબી ખરડવાનો પ્રયાસઃ ભાજપ
રાહુલ ગાંધી પર વળતો હુમલો કરતાં માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે અમે વડાપ્રધાન પ્રત્યેની તેમની નફરતને સમજી શકીએ છીએ, પરંતુ વિદેશી મિત્રોની મદદથી વિદેશી ધરતી પર દેશને બદનામ કરવાનું કાવતરું કોંગ્રેસના એજન્ડા પર સવાલો ઉભા કરે છે. તેમણે સવાલ કર્યો હતો કે પેગાસસ જાસૂસી મુદ્દાની તપાસ માટેની સુપ્રીમ કોર્ટે રચેલી ટેકનિકલ સમિતિને રાહુલ ગાંધી અને કોંગ્રેસના બીજા નેતાઓએ શા માટે તેમના ફોન સુપરત કર્યા ન હતા.