આપણા રાષ્ટ્ર ભારતમાં એવી ભાવના થવી જોઇએ કે જે કાર્ય કરું છું, તે રાષ્ટ્રનિર્માણનું છે. એ વાત નક્કી જ છે કે કઠોર પરિશ્રમ વગર કોઇ કામ થતું નથી. રાષ્ટ્રદેવના આ યજ્ઞમાં જ્યારે આપણે યજન કરીશું ત્યારે મારા માનવા પ્રમાણે શ્રીકૃષ્ણ કહે છે તેમ તે ઇષ્ટ કામધેનુ બની જશે. આપણી કામનાઓની પૂર્તિ કરનારી કામધેનુ એ બની જશે અને સર્વત્ર આનંદ છવાશે.
ભગવાન શ્રીકૃષ્ણ સાત દિવસ પર્વત ઉઠાવીને ઊભા રહ્યા હતા. તો એ ગિરિધર કહેવાયા પણ હનુમાને તો આખા દ્રોણાચલને ત્યાંથી ઊપાડીને પેલે ખૂણે પહોંચાડ્યો પણ હનુમાનને કોઇએ ગિરિધર ન કહ્યા. આજે નહીં તો કાલે પણ નોંધ લેવાશે. કોઇ કામ નાનું નથી અને કોઇ માણસ નાનો નથી.
રાષ્ટ્રનાં નિર્માણની ભાવનાથી કામ કરતો હોય તો એક ઝાડુવાળો કચરો વાળતો હોય તો પણ એ એક બહુ મોટું કામ કરે છે. તે રાષ્ટ્રના નિર્માણનું કાર્ય કરે છે. કઠોર પરિશ્રમની જરૂર છે.
માણસ નવરો કેમ રહી શકે? એક-એક મિનિટનો હિસાબ રાખવાનો છે. જીવનની મિનિટે મિનિટને મૂલ્યવાન ગણી તેજસ્વીતાને દીપાવવા, અને માનવતાને મહેકાવવા, સતત પ્રયત્ન કરવો જોઇએ. કઠોર પરિશ્રમ એ જ એક ઉપાય છે અને માનવતાને મહેકાવવા સતત પ્રયત્ન કરવો.
ગાંધીજીએ જેલમાં રહીને બનાવેલા ચંપલને જનરલ સ્મટસે કેટલા ભાવથી સાચવ્યા હતા! આજે એ અમર બની ગયા છે. લોકો એ ચંપનનાં દર્શને જાય છે. ગાંધીજીએ બનાવેલા ચંપલને લોકો જોવા જાય છે. અમારા શાહબુદ્દીન રાઠોડ કહ્યા કરે કે કોઇ નાનો માણસ મોટું કામ કરે તો કોઇ એની નોંધ ન લે, કોઇ મોટો માણસ નાનું કામ કરે તો એ દુનિયાને દેખાય. ગાંધીબાપુ કહે કપડાં ધોતા હોય તો એ સ્વાશ્રય તરીકે એના ફોટા આવે. કહે કે પોતાના કપડાં તેઓ પોતાને હાથે ધુએ છે.
ને મારા જેવો કપડાં ધોતો હોય તો પાંચ જાણ આડોશી-પાડોશી પોતાના કપડાં પણ આપી જાય, કે તમે ભેગાં-ભેગાં અમારાં કપડાં પણ ધોઇ નાંખજો. આટલા ભેગું આટલું. તમે તો આપણા છો. તમે ના નહીં પાડો. અમને ભરોસો છે.
માનવ બન્યા પછી આવે છે, રાષ્ટ્રવાદિતા. હું ભારતીય છું, હું પહેલાં ભારતીય છું અને બીજું બધું પછી છું. ભારત મારું રાષ્ટ્ર છે. ભારતીય હોવાનું મને ગૌરવ છે. આમ તો કટ્ટરતાને સમસ્યાનાં રૂપમાં જોવામાં આવે છે પરંતુ, અહીં કટ્ટરતા એ સમાધાન છે. આ કટ્ટરતા, રાષ્ટ્રીય ભાવનાથી જ બીજા વિશ્વયુદ્ધ પછી સાવ ધરાશાયી થઇ ગયેલું જાપાન ફિનિક્સ પક્ષીની જેમ પાછું ઊભું થયું છે.
કલ્યાણદેવજી મહારાજ એક વાત કરતા હતા કે હું જાપાન ગયો અને એક રેલવે પ્લેટફોર્મ ઉપર મારે ફળ લેવા હતા. ક્યાંય ફળ ન મળ્યા એટલે હું પરેશાન થઇને બોલી ઊઠ્યો કે આ કેવો દેશ છે? અહીં ક્યાંય ફળ મળતા નથી? એક જાપાનીએ આ સાંભળ્યું. એને ખૂબ ધક્કો લાગ્યો. તેણે પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો? મેં કહ્યું કે હું ભારતમાંથી આવું છું. તેણે પૂછ્યું કે તમારે શું જોઇએ છે? મેં કહ્યું કે ફળ. મને અહીં ક્યાંય ફળ મળતા નથી. અમારે ત્યાં તો પ્લેટફોર્મ ઉપર જ ફ્રૂટ મળે અહીં તો કોઇ સ્ટોલ નથી. તરત જ પેલા જાપાનીએ કહ્યું કે સ્વામી જી આપણ અહીં પાંચ મિનિટ ઊભા રહો, હું હમણાં આવું છું.
આટલું કહ્યાં બાદ જાપાની સ્ટેશન બહાર ગયો અને બહારથી સરસ મજાના ફળો લઇને સ્વામીજીને આપ્યા. સ્વામીજીએ કહ્યું કે આ ફળની કેટલી રકમ થઇ? પેલા જાપાનીએ કહ્યું કે આની કોઇ રકમ મારે જોઇતી નથી.
અમારે ત્યાં એવી વ્યવસ્થા છે કે અહીં કોઇ સ્ટોલ રાખતા નથી. નિશ્ચિત જગ્યાએ જ મળે. રકમને બદલે અમારા તરફથી આ સેવા સ્વીકારો અને માત્ર એટલું કરજો કે તમારા દેશમાં જઇને, જાપાનમાં આ સગવડ નથી એવી વાત કે અમારા દેશની નિંદા ન કરતાં. આ રાષ્ટ્ર ફિનિક્સનાં પંખીની જેમ ઊભું થઇ ગયું. કઠોર પરિશ્રમ, કટ્ટર રાષ્ટ્રવાદિતા, માનવતાવાદી ધર્મ, અને મૂલ્યનિષ્ઠ રાજનીતિ. જો આપણે આ ચાર વસ્તુઓ સિદ્ધ કરી શકીએ તો રાષ્ટ્રનિર્માણનો જે યજ્ઞ છે, તે અશ્વમેધ યજ્ઞ છે, તે ફરીથી થઇ શકે અને આ દેશ ફરીથી ચક્રવર્તી બની દુનિયામાં ઉન્નત મસ્તકે ઊભો રહી શકે છે.
ચાલો, આપણે પ્રત્યેક પળને અમૂલ્ય ગણીને રાષ્ટ્રહિતમાં કાર્ય કરીએ અને માનવતાને યથાર્થપણે મહેકાવીએ.
-
પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા