સુપ્રીમ કોર્ટે અમેરિકાની ઇન્વેસ્ટમેન્ટ રીસર્ચ કંપની હિન્ડનબર્ગ રીસર્ચના આક્ષેપોને કારણે અદાણી ગ્રૂપના શેરોમાં થયેલા ધોવાણને પગલે ઊભી થયેલી સ્થિતિની તપાસ કરવા માટે છ સભ્યોની નિષ્ણાતોની એક સમિતિની રચના કરી છે. આ સમિતિ બે મહિનામાં તેનો રિપોર્ટ સોંપશે.

નિવૃત્ત ન્યાયાધીશ અભય મનોહર સપ્રેના નેતૃત્વ હેઠળની આ સમિતિમાં પીઢ બેન્કર કે.વી. કામથ, સેબીના ભૂતપૂર્વ વડા ઓપી ભટ, ઈન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણી, વકીલ સોમશેખર સુંદરેસન (જેમની જજ તરીકે નિમણૂક સરકારમાં પેન્ડિંગ છે) અને નિવૃત્ત જસ્ટિસ જસ્ટિસ જેપી દેવધરનો સમાવેશ થાય છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે આ સમિતિ પરિસ્થિતિનું એકંદર મૂલ્યાંકન કરશે, રોકાણકારોને વધુ જાગૃત બનાવવાના પગલાં સૂચવશે અને શેરબજારો માટે હાલના નિયમનકારી માળખાને મજબૂત કરવાનાં પગલાં સૂચવશે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતા અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે અદાણી ગ્રુપ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગત કરે છે. સત્યનો વિજય થશે.

હિન્ડનબર્ગ રિપોર્ટ પછી અદાણી જૂથના શેરોના ભાવમાં 50થી 70 ટકા સુધી કડાકો બોલાયો હતો. . આ દરમિયાન અદાણી સામેના આરોપોમાં કેટલી સચ્ચાઈ છે તેની તપાસ કરવા માટે વારંવાર માંગણી થતી રહી છે.

હિન્ડનબર્ગ રિપોર્ટ પછી અદાણી જૂથના શેરોમાં કડાકો આવવાના કારણે સુપ્રીમ કોર્ટમાં કેટલીક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી અદાણીના તમામ 10 શેરો વધ્યા હતા અને ગ્રીન ઝોનમાં ટ્રેડ થતા હતા. ચાર શેરોમાં તો પાંચ ટકાની અપર સર્કિટ લાગી હતી.

અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો ત્યાર પછી અદાણીના શેરોમાં લગભગ 12 લાખ કરોડની વેલ્યૂનો ઘટાડો થયો છે. અદાણીના શેરોમાં એલઆઈસી અને સરકારી બેન્કોનું જંગી રોકાણ છે. એલઆઈસી હવે આ રોકાણમાં ખોટ ભોગવી રહી છે અને બેન્કોને પણ તેમના એક્સપોઝરમાં નુકસાન ગયું છે. તેથી અદાણીના શેરોમાં થયેલો ઘટાડો રાજકીય રીતે પણ મહત્ત્વનો મુદ્દો બની ગયો છે.

LEAVE A REPLY